

કિર્તેશ પટેલ, સુરત : માંડવી તાલુકામાં ગિરિકંદરાઓની ગોદમાં આવેલું કેવડી ઈકો ટુરિઝમ સાઈટ કુદરતી સૌંદર્યનો ખજાનો છે. ટેકરી અને જંગલોની વચ્ચે આવેલુ આ શાંત અને રમણીય સ્થળ પ્રવાસન માટે શ્રેષ્ઠ છે. સુરત જિલ્લાના માંડવી તાલુકાના કેવડી ગામે રાજય સરકારના વન વિભાગે ઇકો ટુરિઝમ કેમ્પસાઇટ વિકસાવ્યું છે.


કેવડી સુરતથી 85 કિમી દુર અને માંડવીથી માત્ર 20 કિમીના અંતરે આવેલુ છે. કેવડીમાં સ્વયં પ્રકૃતિનો વાસ હોય તેવો અનુભવ થાય છે. કેવડી કેમ્પસાઇટ તમામ દિવસે ખુલ્લુ હોય છે. પરંતુ હાલ કોરોના મહામારીના કારણે બંધ હતું, જે હવે 16મી ઓકટોબરે ફરી ખુલી રહ્યું છે. જેથી પ્રવાસીઓ રાબેતા મુજબ 16 તારીખથી મુલાકાત લઈ શકશે.


સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે 100 પ્રવાસીઓની મર્યાદામાં પ્રવેશ આપવામાં આવશે. મુલાકાત લેવા માટે કોઈ પણ પ્રકારની પરવાનગીની જરૂર નથી. મુલાકાત દરમિયાન પ્રવાસીઓએ કોરોના મહામારી સામે સરકારની નિયત માર્ગદર્શિકાને અનુસરવી ફરજિયાત છે.


કેવડી જવા માટેનો શ્રેષ્ઠ સમય ચોમાસા પછી અને શિયાળો છે. આ ઈકો ટુરિઝમ કેમ્પસાઈટમાં ડોમ હાઉસ, ટેન્ટ હાઉસ, રિસેપ્શન સેન્ટર, રેસ્ટોરન્ટ, ટ્રેકિંગ ટ્રેઇલ્સ, પક્ષી જોવા માટેનો પોઈન્ટ, સનસેટ પોઇન્ટ, પરંપરાગત અને શુદ્ધ ખોરાક, કેમ્પફાયર, નેચર એજ્યુકેશન સેન્ટર તથા આસપાસ ફરવા માટે સાઈકલ પણ ભાડેથી આપવામાં આવે છે.