વિભુ પટેલ, અમદાવાદ : બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય છે. જેના કારણે ગુજરાતમાં વરસાદી (Rain in Gujarat) માહોલ છે. જોકે ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીનો સરેરાશ 35.24 ટકા વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. તો 2 અને 3 ઓગસ્ટના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમ જ માછીમોરોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે (Ambalal Patel)પણ આગાહી કરી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે (Ambalal Patel)આગાહી કરી છે કે બંગાળીની ખાડીમાં લો પ્રેશર સક્રિય છે. જેના કારણે ઝારખંડ અને મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. વિધ્ય પર્વતમાં વરસાદના કારણે નર્મદા નદી બે કાંઠે વહેશે. તેમજ રાજસ્થાન, ઉતર મધ્ય ગુજરાત અને અન્ય વિસ્તારમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમા ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
2 થી 10 ઓગસ્ટ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. છે.જેમાં મહેસાણા, વિસનગર, સિધ્ધપુર, પાલનપુર,બેચરાજી, સાબરકાંઠા,અરવલ્લી, મહીસાગરમાં વરસાદની આગાહી છે. 2 થી 4 ઈંચ વરસાદ થાય તેવી શક્યતા છે. કચ્છના ભાગોમાં 1 થી 2 ઈંચ વરસાદની શક્યતા છે. આ વરસાદનુ પાણી કૃષિ પાકો માટે સારુ ગણાતુ નથી. લીલી જમીનમાં કૃષિ કાર્યો કરવા ન જોઈએ. કૃષિ ભાગમાં જીવાત પડવાની સંભાવના છે. પાક સંરક્ષણના પગલા લેવા સારા છે.
અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. કાળા ડિબાંગ વાદળો સાથે ઝરમર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદ રહેશે. તો સૌરાષ્ટ્રમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. કચ્છમાં અત્યાર સુધીનો 31.61 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 30.34 ટકા વરસાદ, મધ્ય પૂર્વ ગુજરાતમાં 33.30 ટકા વરસાદ, સૌરાષ્ટ્રમાં 33.38 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં 35.24 ટકા વરસાદ નોંધાયો છે.