Kutch: તુર્કી અને સીરિયા પર ત્રાટકેલા ભૂકંપે સમગ્ર વિશ્વને હચમચાવી મૂકયું છે. સોમવારે સવારે ત્રાટકેલા 7.8ની તીવ્રતાના ભૂકંપમાં અત્યાર સુધી પાંચ હજારથી વધારે મોત થઈ હોવાનો આંકડો મળ્યો છે તો આ આંકડો હજુ પણ વધશે તેવી આશંકા છે. અખાતના આ બે દેશોમાં ભૂકંપે સર્જેલી પરિસ્થિતિએ કચ્છમાં 2001ના ભૂકંપની એ કડવી યાદો તાજા કરી છે. તુર્કીની જેમ જ કચ્છની ધરા પણ 7.6ની તીવ્રતાથી ધ્રુજી ઉઠી હતી.
જાન્યુઆરી 26, 2001નો દિવસ કચ્છના ઇતિહાસમાં એક કાળમુખો દિવસ તરીકે ગણવામાં આવે છે. સવારે 8.46 વાગ્યે કચ્છના ભચાઉ તાલુકાના ચોબારી ગામથી દક્ષિણ પશ્ચિમી દિશામાં નવ કિલોમીટર દૂર 7.6ની તીવ્રતાનો ભૂકંપ ત્રાટક્યો હતો. ભૂકંપના એ જોરદાર ઝટકાથી થોડી જ ક્ષણોમાં મોટાભાગની ઇમારતો જમીનદોસ્ત થઈ ગઈ હતી અને બધું જ કાટમાળમાં ફેરવાઈ ગયું હતું.
ભૂકંપના એ દર્દનાક દૃશ્ય આજે પણ લોકોના અંતરમનમાં એક ખૂણે દબાયેલા છે. સિમેન્ટ અને પથ્થરના કાટમાળમાં લોકો પોતાના પરિવારજનોને શોધતા હતા ત્યારે અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી તો અનેકના મૃતદેહ પણ ન મળી શક્યા. કોઈ પોતાના હાથમાં પરિવારજનોના મૃતદેહ લઈને સ્મશાને પહોંચી રહ્યા હતા તો જેમણે એકથી વધારે પરિવારજનોને ખોયા હતા તેઓ હાથગાડીમાં મૃતદેહો ઉંચકીને સ્મશાને પહોંચી રહ્યા હતા. સ્મશાનોમાં મૃતદેહોનું અંતિમસંસ્કાર કરવા ચિત્તાઓ ઓછી પડી રહી હતી તો કબ્રસ્તાનોની જમીન ટુંકી પડી રહી હતી.