મહેસાણાઃ મહેસાણાના વિજાપુર તાલુકાના માણેકપુર ગામનો પરિવાર કેનેડા ગયો હતો અને ત્યાંથી અમેરિકામાં ઘૂસણખોરી કરતી વખતે બોટ પલટી જતા મોત થયાના રિપોર્ટ્સ સામે આવ્યા છે. આ પરિવાર જે બોટમાં સવાર હતો તે સેન્ટ લોરેન્સ નદીમાં પલટી મારી જતા બે પરિવારો મોતને ભેટ્યા છે. જેમાંથી એક ગુજરાતના મહેસાણાનો પરિવાર છે જ્યારે અન્ય પરિવાર રોમાનિયાનો હોવાની વિગતો મળી રહી છે.
પરિવારે આ ઘટના અંગે વાત કરતા જણાવ્યું છે કે તેઓ કાયદેસર રીતે વિઝિટર વિઝા પર બે મહિના પહેલા કેનેડા ગયા હતા અને તેઓ અમેરિકા જઈ રહ્યા હતા કે કેમ તે અંગે કોઈ વિગતો તેમની પાસે નથી. કેનેડાની સ્થાનિક પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. રાજ્યના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી વિપુલ ચૌધરીએ પણ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને સવાલ ઉઠાવ્યા છે.
કેનેડા પોલીસ દ્વારા મૃતકોના નામ જણાવવામાં આવ્યા છે તેમાં પ્રવીણભાઈ ચૌધરી (50), પુત્ર મિત ચૌધરી (20), પુત્રી, વિધિ ચૌધરી (24)નો સમાવેશ થાય છે. આ સિવાય પ્રવીણભાઈ ચૌધરીના પત્ની દક્ષાબેનનું પણ આ ઘટનામાં મોત થયાનું માનવામાં આવી રહ્યું છે. આમ એક જ પરિવારના ચાર લોકોએ સેન્ટ લોરેન્સ નદીમાં બોટ પલટી જતા મોત થયાની ઘટના બની છે. મળતી વિગતો પ્રમાણે ગેરકાયદેસર રીતે નદી માર્ગે કેનેડાથી અમેરિકા જતા બે પરિવારોમાંથી એક પરિવાર રોમાનિયાનો હતો.
મૃતકના ભાઈ જસુભાઈ ચૌધરીએ આ ઘટના અંગે શું જણાવ્યું? મૃતકના પ્રવીણભાઈ ચૌધરીના ભાઈ જસુભાઈએ જણાવ્યું છે કે, પ્રવીણભાઈ અહીં ખેતીકામ કરતા હતા અને 2 મહિના પહેલા કેનેડા તેઓ ફરવા માટે ગયા હતા. તેમણે કહ્યું કે, ભાઈ પાસે કેનેડા ફરવા જવાના વિઝા હતા તે અંગે તેમણે અમને જાણ કરી હતી. તેઓ કેનેડામાં હતા ત્યારે પણ અમારી સાથે વાત થતી હતી.
ભાઈ સાથે 15 દિવસ પહેલા વાત થઈ હતીઃ કેનેડામાં મોતને ભેટેલા પ્રવીણભાઈ ચૌધરીના ભાઈ જસુભાઈએ જણાવ્યું કે મારે તેમની સાથે 15 દિવસ પહેલા વાત થઈ હતી. એ સમયે તેઓ ટોરેન્ટોમાં હતા, પરંતુ આ દરમિયાન તેઓ અમેરિકા જઈ રહ્યા છે તેવી કોઈ વાત થઈ નથી. પ્રવીણભાઈની સાથે તેમના પત્ની અને બે બાળકો કેનેડા ફરવા માટે વિઝિટર વિઝા પર ગયા હતા. અમને એવા સમાચાર મળી રહ્યા છે કે તેઓ બોટમાં હતા અને તે નદીમાં ઊંધી થઈ જતા ડૂબી જતા તેમનાં મૃત્યુ થયા છે.
જસુભાઈએ જણાવ્યું કે તેમની ભાઈ પ્રવીણભાઈના સાથે વાત થતી હતી ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેઓ ટોરેન્ટો, વિનિપેગ જેવા વિસ્તારમાં ગયા હતા. આ બનાવ અંગે પોતાની માંગ રજૂ કરતા જસુભાઈ જણાવ્યું કે, અમારી સરકાર પાસે એટલી જ માંગ છે કે અમારો પરિવાર તો જતો રહ્યો છે, એમના મૃતદેહ અમારા ઘર સુધી મળે કે જેથી અમે તેમના અંતિમ સંસ્કાર કરી શકીએ.
વધુમાં જસુભાઈએ જણાવ્યું કે, પ્રવીણભાઈ અમેરિકામાં ઘૂસણખોરી કરવા જઈ રહ્યા હતા તેવા સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ અમારી પાસે આ અંગે સચોટ વિગતો નથી. જો અમને ખબર પડશે કે આ કામ કોના દ્વારા કરવામાં આવ્યું છે તો અમે તેમનું નામ જાહેર કરીને તેમની સામે ફરિયાદ કરીશું. જેથી, કરીને આ રીતે અન્ય વ્યક્તિ ભોગ બને નહીં.
રાજ્યના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી શંકર ચૌધરીએ આ ઘટના અંગે વાત કરીને જણાવ્યું છે કે, પરિવાર બોટિંગ કરતો હતો કે ત્યાંથી અમેરિકા જતો હતો તે તપાસનો વિષય છે. જેઓ મૃત્યુ પામ્યા છે તેમના મૃતદેહ ગામમાં પરત લાવવામાં આવે તે માટે સરકારી તંત્રને ઉજાગર કરી રહ્યા છીએ અને કરતા રહીશું. આવી ઘટનાઓ બનતા અમે અમારું સંગઠન અમેરિકા અને કેનેડામાં કરવું જોઈએ એવો ખ્યાલ આવી રહ્યો છે. કોઈને રોજગારી માટે બહાર ના જવું પડે તેવા સહિયારા પ્રયત્નો કરીશું તેમ પણ તેમણે જણાવ્યું છે.