

અરબી સમુદ્ર ઉપર સાયક્લોનીક સર્ક્યુલેશન અને લો પ્રેશર સક્રિય થયું છે જેના કારણે રાજ્યમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી 48 કલાક રાજ્યનાં સૌરાષ્ટ્ર, પૂર્વ-મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.


હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાક દરમિયાન રાજ્યના ગીરસોમનાથ, જૂનાગઢ, અમરેલી, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસશે.


રાજ્યના અરબી સમુદ્રના કાઠે ભારે પવન સાથે મોજા ઉછળે તેવી શક્યતાના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.


રાજ્યમાં છેલ્લા છ વર્ષમાં સૌથી વધુ સિઝનનો 116.59 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતને બાદ કરતાં રાજ્યના તમામ વિસ્તારોમાં 100 ટકા કરતાં વધારે વરસાદ વરસ્યો છે.


મંગળવારે રાજ્યના 31 જિલ્લાના 184 તાલુકામાં સાડા પાંચ ઇંચ સુધી મેઘ મહેર રહી હતી. આ વર્ષે જૂન મહિનાથી શરૂ થતી ચોમાસાની સિઝનથી લઇને અત્યાર સુધીમાં રાજ્યમાં 30 ટકા વધુ વરસાદ પડ્યો છે. વર્ષ 2013 પછી એટલે કે 6 વર્ષ બાદ રાજ્યમાં સામાન્ય કરતાં 30 ટકા વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે અમદાવાદમાં સિઝનના કુલ વરસાદ કરતાં 4 ટકા વરસાદ ઓછો પડ્યો છે.