અમદાવાદઃ ગુજરાતમાં હજુ પણ આગામી પાંચ દિવસ સુધી કમોસમી વરસાદ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે આજે પણ રાજ્યમાં કરા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગરમી આ વર્ષે આકરી રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યમાં લોકોમાં ગરમી અંગે જાગૃતિ વધે અને ગરમીથી બચવા માટે શું કરવું તે માટેનો પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો હોવાનું અમદાવાદના હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
ડૉ. મોહંતીએ જણાવ્યું કે, આજે પણ કરા પડવાની સંભાવના છે. શુક્રવારે રાજ્યમાં બોટાદમાં બરફ પડ્યા જેવી ઘટના સર્જાઈ હતી ત્યારે આજે પણ કરા પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, રાજકોટ અને અમરેલીમાં ક્યાંક કરા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં પણ કરા પડ્યા છે.
શનિવારથી કમોસમી વરસાદનું જોર ઘટવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, કેટલાક ભાગોમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી રહેવાની આગાહી કરવામાં આવી રહી છે. આ સાથે આવતીકારથી કરા પડવાની સંભાવના નથી. જોકે, આજે એકાદ જગ્યા પર કરા પડવાની સંભાવના છે. માછીમારો માટે કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી.
આ સાથે ગરમી દરમિયાન જેમણે બહાર ફરીને કામ કરવાનું હોય છે તેમણે કેવી કાળજી રાખવી તથા સ્કૂલના બાળકો અને શિક્ષકોને પણ કેવી કાળજી રાખવી તે અંગેની જાણકારી આપવાનો પ્લાન હવામાન વિભાગ દ્વારા બનાવવામાં આવ્યો છે. સ્કૂલના બાળકો ગરમીથી બચવા માટે શું કરી શકે તે અંગેનું પણ જરુરી જ્ઞાન આપવામાં આવશે. જેથી કરીને બાળકો આ માહિતી તેમના મિત્રો અને વાલીઓ સુધી પહોંચાડી શકશે કે ગરમી દરમિયાન શું કરવું અને શું ના કરવું જોઈએ.