અમદાવાદઃ આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યના અમદાવાદ સહિતના ભાગોમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે તથા આવતીકાલે અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ રહ્યા બાદ તેનો અંત આવી શકે છે. અમદાવાદ હવામાન કેન્દ્રના વડા ડૉ. મનોરમા મોહંતીએ બુધવારે રાજ્યના હવામાન અંગે જણાવ્યું છે કે રાજ્યમાં થંડસ્ટ્રોમ એક્ટિવિટી સાથે કેટલાક ભાગોમાં વીજળીના ચમકારા સાથે વરસાદ વરસી શકે છે. પરેશ ગોસ્વામીએ રાજ્યમાં આજે તોફાની વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારો અંગે સંભાવના વ્યક્ત કરી છે.
હાલ રાજ્યમાં જે પ્રમાણે વરસાદી માહોલ જામ્યો છે તેના લીધી મહત્તમ તાપમાન ઘટીને 35 કે તેનાથી નીચે નોંધાઈ રહ્યું છે. આવામાં હાલ ઉનાળાના પ્રારંભમાં ચોમાસા જેવું વાતાવરણ છવાયેલું છે. જોકે, આગામી સમયમાં ગરમીનું પ્રમાણ વધવાની આગાહી કરવામાં આવી છે. પરેશ ગોસ્વામીએ આજે માવઠું વિરામ લેતા પહેલા તેનો મિજાજ બતાવશે તેવી સંભાવના વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે આગામી બે-ત્રણ દિવસ પછી મહત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રનો વધારો થવાની સંભાવના વ્યક્ત કરી છે. હાલ રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં 35ની આસપાસ તાપમાન નોંધાઈ રહ્યું છે જે વધીને 38 ડિગ્રી સુધી પહોંચી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 34ની આસપાસ નોંધાઈ રહ્યું છે જેમાં આગામી દિવસમાં મોટા ફેરફારની સંભાવના નથી.