અમદાવાદઃ રાજ્યનું હવામાન આગામી 4 દિવસ સૂકું રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં પાછલા કેટલાક દિવસોથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ચોમાસા જેવો માહોલ બનેલો હતો. પરંતુ ગઈકાલથી માવઠાથી રાહત મળી છે. આગામી દિવસોમાં પણ વરસાદ નહીં થવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જોકે, આ સાથે ગરમીનું પ્રમાણ પણ વધવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં તારીખ 26થી 30મીની સવાર સુધી હવામાન સાફ રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. શનિવારે અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક વિજીનલાલે આગાહી કરીને જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદની સંભાવના નથી. જોકે, પાંચમા દિવસ વધુ એક સર્ક્યુલેશન આવી રહ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું છે.
5 દિવસની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાવામાં આવી છે જેમાં મહત્તમ તાપમાનમાં 3-4 ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે લઘુત્તમ તાપમાનમાં પણ 2-3 ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. સાઈક્લોનિક સર્ક્યુલેશનના લીધે વાતાવરણમાં જે ભેજ છે તે દૂર થતા ગરમીનું પ્રમાણમાં વધારો થશે.
રાજ્યમાં શનિવારે 37 ડિગ્રી મહત્તમ તપામાન સાથે સૌથી ગરમ શહેર વલસાડ રહ્યું હતું. જ્યારે સૌથી નીચું લઘુત્તમ તાપમાન દીવ અને મહુવામાં 16 ડિગ્રી નોંધાયું હતું. હાલ રાજ્યમાં સામાન્ય કરતા તાપમાન નીચું નોંધાઈ રહ્યું છે. શનિવારે અમદાવાદમાં તાપમાન 34, ગાંધીનગરમાં 33, સુરતમાં 32, વડોદરામાં 33 અને રાજકોટમાં 32 ડિગ્રી નોંધાયું હતું.