અમદાવાદઃ પશ્ચિમ વિક્ષોભના કારણે ગુજરાતમાં ફરી માવઠું થઈ રહ્યું છે. જોકે, આજે હવામાન વિભાગ દ્વારા ક્યાંય વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી. અમદાવાદમાં IPL રમાવાની છે ત્યારે આજે અહીં વરસાદની સંભાવના નથી. આગામી ત્રણ દિવસોમાં પણ રાજ્યમાં વરસાદ થવાની સંભાવના નથી. જોકે, અંબાલાલ દ્વારા એપ્રિલમાં પણ માવઠું પીછો નહીં છોડે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
ઘઉં, કપાસ, ઈસબગુલ, જીરુ, રાયડો જેવા પાકોને નુકસાન થવાની ભીતી ખેડૂતો સેવી રહ્યા છે. રાજ્યમાં ગઈકાલે અમદાવાદ અને ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના કેટલાક ભાગોમાં જાણે ચોમાસું બેસી ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. માર્ચ મહિનામાં ઉનાળાના બદલે લગભગ આખો મહિનો ચોમાસા જેવો રહ્યો છે. આ સ્થિતિના કારણે સૌથી મોટું નુકસાન ખેડૂતોને થયું હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઉભા પાકની સાથે ખેતરમાં વાઢીને મૂકેલા પાકને પણ વરસાદના કારણે નુકસાન થયાની ફરિયાદો ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે, સૌરાષ્ટ્રની સાથે ઉત્તર ગુજરાતમાં વરસાદની સાથે ભારે પવન અને કરા પડવાથી પાકને નુકસાન થયાની ભીતી ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ધાન્ય પાકોની સાથે બાગાયતી પાકોને પણ નુકસાન થયું છે. જેના કારણે આ વર્ષે કેરીની સીઝન પર પણ અસર પડવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એપ્રિલમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરતા જણાવ્યું છે કે, તેમણે 3 એપ્રિલથી ઉનાળાની સાથે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની આગાહી કરીને અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, તારીખ 3-8 અને 10 દરમિયાન ગુજરાતમાં વાદળો ફરી આવવાની શક્યતા છે. 14 તારીખ સુધીમાં પુનઃ આંધી, વંટોળ અને ગરમી સાથે કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે. કરા પડવાની પણ શક્યતા છે.