અમદાવાદઃ રાજ્યમાં મહત્તમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે પરંતુ રાત્રે તથા વહેલી સવારે હજુ પણ બરફીલી ઠંડી અનુભવાઈ રહી છે. આ વર્ષે શિયાળાની અસર ડિસેમ્બરના બદલે જાન્યુઆરીમાં વધુ અનુભવાઈ હતી. આ પછી ફેબ્રુઆરીમાં મહત્તમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. આવામાં હવે ફેબ્રુઆરી પૂર્ણ થતા સુધીમાં તાપમાનનો પારો 38 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
પવનની દિશામાં ફેરફાર થતા તાપમાનમાં જલદી ફેરફાર થતો જોવા મળશે. રાજ્યમાં ઉત્તર પશ્ચિમનો પવન ફૂંકાઈ રહ્યો છે, અને આ દિશામાં ફેરફાર થવાથી લઘુત્તમ અને મહત્તમ તાપમાન ઊંચું આવી રહ્યું છે. જોકે, ચાલુ અઠવાડિયા દરમિયાન લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફારની સંભાવના નથી. જોકે, ફેબ્રુઆરી આગળ વધતા ઠંડીનું જોર ઘટતું જઈ રહ્યું છે.
રાજ્યમાં સૌથી ઓછુ તાપમાન નલિયામાં 13 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણમાં લઘુત્તમ તાપમાન 15 અને તેનાથી ઉપર નોંધાયું છે. જેમાં સૌથી ઊંચું લઘુત્તમ તાપમાન દ્વારકા અને ઓખામાં 20 ડિગ્રીથી ઉપર નોંધાયું છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16 અને ગાંધીનગરમાં 15 નોંધાયું હતું.