અમદાવાદઃ રાજ્યના હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આજે પણ રાજ્યના ઉત્તર તથા સૌરાષ્ટ્રના ભાગોમાં વસસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં ગઈકાલે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ અને અમદાવાદ સહિતના ભાગોમાં વરસાદ થયો હતો. આજે પણ સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં વરસાદી વાતાવરણ રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં માવઠું વિરામ લેશે તેવી આગાહી સાથે ગરમીનું જોર વધવાની વકી પણ વ્યક્ત કરવામાં આવી છે.
આ પછી આગામી ત્રણ દિવસ સુધી હવામાન સૂકું રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ગુરુવારે રાજ્યના સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, દ્વારકા સહિત અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ નોંધાયો છે. અમદાવાદના કેટલાક ભાગોમાં જાણે ચોમાસું જામ્યું હોય તે રીતે વરસાદી માવઠું થયું હતું.
રાજ્યમાં માવઠાનો માહોલ ઉભો થયો હોવાના કારણે સામાન્ય વર્ષોમાં આ સમયમાં આકરી ગરમીની શરુઆત થઈ ગઈ હોય પરંતુ આ વખતે સામાન્ય કરતા પણ નીચું તાપમાન નોંધાય છે. હવામાન વિભાગ દ્વારા આ પ્રકારની ઘટનાઓ પાછળ ગ્લોબલ વોર્મિંગને જવાબદાર ઠેરવીને આ પ્રકારની પરિસ્થિતિઓનો સામનો કરવા સ્વસ્થતા પ્રત્યે વધારે જાગૃત રહેવાની સલાહ આપવામાં આવે છે.