અમદાવાદઃ જાન્યુઆરીના મધ્યમાં આકરી ઠંડી પડ્યા પછી હવે રાજ્યના હવામાનમાં ધીમે-ધીમે ફેરફાર થઈ રહ્યો છે. આમ છતાં રાતના સમયે તાપમાનમાં મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે. આગામી પાંચ દિવસ સુધી તાપમાનમાં ભારે ઘટાડાની સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી, હવામાન વિભાગે રાજ્યનું હવામાન મોટા ફેરફાર વગરનું રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યમાં રાતના તાપમાનમાં પણ આગામી સમયમાં ધીમે-ધીમે વધારો થવાની પણ શરુઆત થશે. ઠંડી હજુ ફેબ્રુઆરી મહિના સુધી રહેશે અને તે પછી તાપમાનમાં વધારો થવાની શરુઆત થઈ જશે.
અંબાલાલની આગાહીઃ અંબાલાલ પટેલે હવે ધીમે-ધીમે રાજ્યમાં ઠંડીના જોરમાં ઘટાડો થવાની આગાહી કરી છે. જેમાં તેમણે માર્ચ સુધીમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી જવાની સંભાવના વ્યક્ત કરી છે. ફેબ્રુઆરીના બીજા સપ્તાહથી ગરમી જોર પકડશે અને મહત્તમ તાપમાન 36 ડિગ્રી આસપાસ પહોંચી જશે.આ પછી 19 થી 20 ફેબ્રુઆરીએ મહત્તમ તાપમાન વધતું જશે. અને ફેબ્રુઆરીના અંત સુધીમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી થઈ થવાની શકયતા રહેશે.