અમદાવાદઃ હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાક રાજ્યમાં કેટલાક ઠેકાણે વરસાદ થવાની સંભાવના છે પરંતુ તે પછી હવામાન સાફ રહેવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ હવામાન કેન્દ્રના વડા ડૉ. મનોરમા મોહંતીએ રાજ્યના કયા ભાગોમાં આગામી દિવસોમાં વરસાદ રહેશે તે અંગે આગાહી કરવામાં આવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં થંડસ્ટ્રોમ એક્ટિવિટી સાથે કેટલાક ભાગોમાં વીજળીના ચમકારા સાથે વરસાદ વરસી શકે છે.
ડૉ. મોહંતીએ આગામી ત્રણ-ચાર દિવસ સુધી મહત્તમ તાપમાનમાં મોટા ફેરફાર નહીં આવવાની સંભાવના વ્યક્ત કરી છે. પરંતુ તે પછી ગરમીનું પ્રમાણ વધવાની પણ શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ જણાવે છે કે હાલ રાજ્યમાં સામાન્ય કરતા નીચું તાપમાન નોંધાય છે ઘણાં વિસ્તારોમાં મહત્તમ તાપમાન ઘણું નીચું નોંધાઈ રહ્યું છે.
હવામાન વિભાગે આગામી ત્રણ-ચાર દિવસ પછી મહત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રનો વધારો થવાની સંભાવના વ્યક્ત કરી છે. હાલ રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં 35ની આસપાસ તાપમાન નોંધાઈ રહ્યું છે જે વધીને 38 ડિગ્રી સુધી પહોંચી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 34ની આસપાસ નોંધાઈ રહ્યું છે જેમાં આગામી 2-3 દિવસ તાપમાન મોટા ફેરફારની સંભાવના નથી.