Gujarat Rainfall : રાજ્યમાં સરેરાશ 15 જૂન થી ચોમાસાની શરૂઆત થાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી વાતાવરણની વિષમતાને કારણે ચોમાસુ ડિસ્ટ્રબ થતું આવ્યું છે. 15 જુનને બદલે 20 જૂન આસપાસ ચોમાસુ સક્રિય થતું હોય છે. પરંતુ આ વર્ષ તાઉતે વાવાઝોડા બાદ વરસાદ સાવ ગયો તે ગયો..! પાણીની વ્યવસ્થા હતી તેવા ખેડૂતોએ આગોતરૂ વાવેતર પણ કરી નાખ્યું, પણ પછી વરસાદ ન થતા ખેડૂતોની મૂંઝવણ વધી હતી. વાવણી પણ અધૂરી રહી હતી. આખરે આજે સવારથી રાજ્યભરમાં કાચા સોના સ્વરૂપ વરસાદ વરસતા ખેડૂતોએ રાહતનો દમ લીધો છે. મગફળી, કપાસ, સોયાબીન અને બાજરી જેવા પાકોને જીવતદાન મળ્યું છે. તો ખેડૂતોએ પણ હાશકારો લીધો છે. તો જોઈએ રાજ્યમાં ક્યાં કેવો વરસાદ વરસી રહ્યો છે.
સૌપ્રથમ જામનગર જિલ્લાની વાત કરીએ તો, જામજોધપુરના નારમાણા ગામે 2 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે. જામજોધપુરનો સોગઠી ડેમ ઓવરફ્લો થયો છે. તો કાલાવડ પંથકના છતરમાં ઘોડાપુર જેવો માહોલ સર્જાયો છે, અનેક વાહનો કોઝવેમાં તણાયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે. તો કાલાવડ તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કાલાવડ તાલુકાના. શીતળા ગામમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. ગામમાં અવર જવરનો રસ્તો બંધ થઈ જતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ બાજુ ધોરાજી તાલુકાના મોટી મારડ ગામે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. ધોરાજી તાલુકામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોરાજી તાલુકાનાં મોટી મારડ ગામમા 9 ઈંચ વરસાદ ખાબકતા ગામની શેરીઓ નદીઓ જેવી લાગી રહી છે. મોટી મારડ ગામના ચેક ડેમો તળાવો, બધુ જ ઓવર ફ્લો થયા છે. લોકો જીવના જોખમે વાહનો પસાર કરતા જોવા મળ્યા હતા. મોટી મારડના ખેતરોમાં પણ પાણી ફરી વર્યા છે.
તો ઉપલેટાના ગઢાળા ગામમાં પણ વરસાદે ધમાકેદાર બેટીંગ કરી છે. ગઢાળા અને ઉપલેટાના હાઇવેને જોડતો એક માત્ર કોઝ વે ઉપર પાણી ફરી વળ્યાં. ભારે વરસાદના પગલે ગઢાળાનો ચેક ડેમ ઓવર ફ્લોવ થતા કોઝ વે ઉપર પાણી ફરી વળ્યા હતા. ભારે વરસાદના પગલે આસપાસની નદી નાળામાંથી પાણી આવતા ગઢાળાનો ચેક ડેમ ઓવરફ્લો થયો. ગઢાળાના લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી છે. ગઢાળા ગામના લોકોને ઉપલેટા જવા માટેનો એક માત્ર રસ્તો બંધ થતા ગામ જાણે સંપર્ક વિહોણુ બનયું છે.
મોરબી જિલ્લામાં પણ મેઘરાજા સવારથી બેટિંગ કરી રહ્યા છે. મોરબીના પાનેલી ગામ નજીક બે યુવાનો ફસાતા ગ્રામજનો દ્વારા બચાવાયા છે. પાનેલી અને ગિડચ ગામ નજીક આવેલ વોકળામાં પાણી આવતા બે યુવાનો ફસાયા હતા. મજૂરી કામ માટે જતા યુવાનો ફસાતા ગ્રામજનો દોડી જઈને રેસ્ક્યુ કરી બંને ને બચાવ્યા. વરસાદની વાત કરીએ તો, જિલ્લાના ટંકારામાં ભારે વરસાદ જોવા મળ્યો છે. નદી નાળાઓ છલકાઈ ગયા છે.
બોટાદ શહેર અને જિલ્લામાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં એક વાહન તણાયું નદીમાં તણાયું હતું. શહેરની મધ્યમમાંથી પસાર થતી ઉતાવળી નદી વચ્ચે થી મેક્સ ફોર વહીલ પસાર થતા પાણીમાં તણાયું હતું. મેક્સ ફોર વહીલમાં નાના નાના 10થી વધુ બાળકો સવાર હતા, જોકે, સદ નસીબે કોઈ જાનહાની થઈ ન હતી. સ્થાનિકોની મદદથી તમામ મુસાફરોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. બોટાદના આંકડા પર નજર કરીએ તો, ગઢડામાં 4 ઈંચ, બરવાળામાં 1.5 ઈચ, બોટાદમાં 2.75 ઈંચ, રાણપુરમાં 1 ઈંચ.
જૂનાગઢની વાત કરીએ તો, માણાવદરના ગ્રામ્ય પંથકમાં વધુ વરસાદ જોવા મળ્યો છે. સવારથી બપોર સુધીમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. મટિયાણાં, પાદરડી, આંબલિયા, માંડોદરા, સહિત ઘેડ પંથકના ગામોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. ઘેડ પંથકમાં વધુ વરસાદ પડતાં વોકળા અને નાળાઓ વહેતા થયા. ધોધમાર વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. જૂનાગઢ શહેરની વાત કરીએ તો, ભવનાથ વિસ્તારમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ગિરનાર પર અનરાધાર વરસાદ શરૂ થતા પર્વત પર ઝરણા શરૂ થયા છે. સીડી પરથી પાણી વહેતા થતા ગિરનારના અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા હતા, લોકો નજારો જોવા ઉમટી પડ્યા હતા.
છોટાઉદેપુરમાં વહેલી સવારથી જ મુશળાધાર વરસાદ વરસી રહ્યો છે. છોટાઉદેપુર શહેરમાં લગભગ 6.8 ઈંચ વરસાદ ખાબકી ગયો છે. તો બોડેલી તાલુકામાં પણ 6 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. છોટાઉદેપુર નગરની નીઝામી સોસાયટીમાં ઘુંટણ સમા પાણી ભરાઈ ગયા છે. નગર પાલિકાની પ્રીમોનસુનની કામગીરી પર સવાલ, લોકોના ઘરોમા પાણી ભરાતા નગર જનોમા નારાજગી, દર વર્ષે આજ પરીસ્થીતીનો સમનો કરવો પડે છે લોકોને. તો નસવાડી તાલુકાના હાંડલી ગામ નજીક આવેલ લો લેવલ નો કોઝવે પાણીમા ગરકાવ થયો છે. હાંડલી ગામ પાસે વર્ષો થી તૂટેલો લો લેવલનો કોઝવે રીપેર કરવા કે નવો બનવવા વારંવારની ગામ લોકોની માંગણી. હાંડલી ગામેં જવું હોય તો દસ કિલોમીટર ફેરો લાગવો પડે છે ગામ લોકો ને. બીજી બાજુ તાલુકાના બોરખડથી વગુમા, બટુ પ્રસાદી, કમલાવસન જવાનો રસ્તો થયો બંધ, બોરખાડ ગામે લો લેવલ ના કોઝવે પર પાણી ફરી વળ્યાં, આસપાસ ના ગ્રામજનો બન્યા સંપર્ક વિહોણા, લોકો જીવ ના ઝોખમે ધસમસતા પાણી માંથી પસાર થવા મજબુર.
તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તમામ જિલ્લામાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ખેતીલાયક વરાસદ નોંધાયો છે. અરવલ્લી જિ્લાના તમામ 6 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ખેતીલાયક વરસાદથી ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળ્યા છે. અડધા ઇંચ જેટલો જિલ્લામાં સરેરાશ વરસાદ નોંધાયો. મોડાસા પંથકમાં ધોધમાર વરસાદ થયો છે.