

સંજય ટાંક, અમદાવાદ : કોરોના વાયરસનું સંક્રમણ વધતા સરકારી શાળાના શિક્ષકોને અનાજ વિતરણની કામગીરી સોંપાઈ હતી. આ કામગીરીની સાથે સમય કાઢીને અમદાવાદ જિલ્લાની એક સરકારી શાળાની અનોખી પ્રવૃત્તિ સામે આવી છે. શાળાએ યોજેલા ફ્રી સમર કૅમ્પમાં વિદ્યાર્થીઓની અદભૂત પ્રતિભા સામે આવી છે. નાના ભૂલકાઓના નાના હાથથી કરેલી પ્રવૃત્તિની તસવીરો જોઈને તમે પણ દંગ રહી જશો.


કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે અને બે મહિનાથી બાળકો ઘરોમાં બંધ છે. ત્યારે દસક્રોઈની રોપડા ગામની પ્રાથમિક શાળાએ ફ્રી ઓનલાઈન સમર કેમ્પ યોજ્યો છે. જેમાં માત્ર રોપડાની પ્રાથમિક શાળાના જ વિદ્યાર્થીઓ નહીં વિવિધ શાળાના 1200 બાળકો જોડાયા હતા. બે મહિનાના આ લૉકડાઉન દરમિયાન વિદ્યાર્થીઓની અવનવી પ્રતિભા સામે આવી છે.


રોપડા પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ નિશીથકુમાર આચાર્ય જણાવે છે કે બાળકો માટે વિવિધ પ્રવૃતિઓ દ્વારા જ્ઞાન સાથે ગમ્મતનો વિચાર આવ્યો હતો. ઓનલાઈન સમર કેમ્પ માટે ઓનલાઈન વોટ્સએપ ગ્રૂપ બનાવ્યું અને તેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને જોડ્યા. લૉકડાઉનના 44 દિવસના ગાળામાં વિદ્યાર્થીઓએ 100 જેટલી વિવિધ પ્રવૃત્તિઓ કરી.


જેમાં ચિત્ર , સંગીત, ડાન્સ, અભિનય, રસોઈ શો, રંગોળી, ટાવર બનાવવા, આસન, યોગ, સૂર્ય નમસ્કાર, કોરોના પોસ્ટર આર્ટ, અહેવાલ લેખન, વૈજ્ઞાનિક વિશે, હલ્દી કાર્ડ, બર્થ ડે કાર્ડ, પત્ર લેખન, પેપર આર્ટ, ફિંગર આર્ટ, લીફ આર્ટ, વેસ્ટ માથી બેસ્ટ બનાવવું, વાર્તા લેખન, વાર્તા બનાવો, ચિત્ર વાર્તા, પઝલ, સેન્ડ આર્ટ, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, પિરામિડ રમત, બોટલ ગાર્ડન, ટી. એલ.એમ બનાવવું, ફ્લિપ બુક, કાવ્ય લેખન, પ્રશ્નોતરી, પ્રોજેકટ બેઝ લર્નિંગ, ભગવદગીતા શ્લોક વગેરે જેવી 100થી વધુ પ્રવૃત્તિઓ કરી હતી.


શરૂઆતમાં મર્યાદિત બાળકોથી શરૂ થયેલા ફ્રી સમર કેમ્પમાં 27 જિલ્લામાંથી 1200 બાળકો જોડાયા હતા. હાલ બાળકો અવનવી પ્રવૃતિની સાથે સાથે વિવિધ ભાષાનું વ્યાકરણ અને શ્રીમદ્ ભગવદ્દગીતાના પાઠ પણ શીખી રહ્યા છે.