

પ્રજ્ઞેશ વ્યાસ, સુરત : ગતરોજ કોરોના પોઝિટિવ ૧૬ દર્દીઓ બાદ રાત્રિ દરમિયાન પેન્ડિંગ સેમ્પલ ટેસ્ટિંગના રીપોર્ટમાં એક સાથે ૨૨ દર્દીઓના રીપોર્ટ પોઝિટિવ આવતાં તંત્ર દોડતું થઇ ગયું છે. ખાસ કરીને માનદરવાજા ટેનામેન્ટમાંથી જ ૧૪-૧૪ પોઝિટિવ દર્દીએ મળી આવતાં શહેરનો સૌથી મોટો હોટસ્પોટ માનદરવાજા બની ગયો છે. હજી ૫૫૦થી વધુ સેમ્પલના રીપોર્ટ પેન્ડિંગ છે. બપોર બાદ વધુ ચાર સેમ્પલના ટેસ્ટિંગ રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે. એટલે કે એક જ દિવસમાં સુરતમાં પોઝિટિવ ૨૬ કેસો વધ્યા છે અને કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા વધીને ૮૭ થઇ ગઇ છે અને જિલ્લાના બે મળીને કુલ 89 પોઝેટીવ કેસ સુરત જિલ્લામાં નોધાયા છે.


ફક્ત બે જ દિવસમાં આક્રમક સેમ્પલિંગને કારણે શહેરમાં ૪૩ પોઝિટિવ કેસો વધ્યા છે, જે તંત્ર માટે ચિંતાનો વિષય બની ગયો છે. ખાસ કરીને તે લિંબાય ઝોન વિસ્તારની માન દરવાજા ટેનામેન્ટની સૌથી મોટું હોટસ્પોટ બની ગયું છે. છેલ્લાં બે દિવસમાં માનદરવાજા ટેનામેન્ટમાંથી જ ૨૪ પોઝિટિવ કેસો મળતાં તંત્રની ઊંઘ હરામ થઇ ગઇ છે. ખાસ કરીને રાણા સમાજના વ્યક્તિઓની સંખ્યા પોઝિટિવ કેસોની યાદીમાં નોધપાત્ર જાવા મળી છે. એટલે મનપા તંત્રએ બેગમપુરામાં મળેલા મનપા તંત્રએ બેગમપુરામાં મળેલા રમેશચંદ્ર રાણના કેસ બાદ કોન્ટ્રા ટ્રેસિંગની કામગીરી વધારી દીધી હતી. રાણા સમાજના શહેરમાં અન્ય પોકેટોમાં રહેતા લોકો સુધી પહોચવાનું મનપા તંત્રનું આયોજન છે.


મનપા કમિશ્નર પાનિએ જણાવ્યું કે, હોટસ્પોટ વિસ્તારોમાં સઘન સેમ્પલિંગ ઝૂંબેશને પગલે કોમ્યુનિટી કેસોની સંખ્યામાં વધારો થયો છે અને શહેરમાં એક-બે દિવસમાં રોજ ૧૦૦૦ સેમ્પલોનો લક્ષ્યાંક છે. તેથી પોઝિટિવ કેસોની સંખ્યા વધી શકે છે. શહેરમાં અગાઉ ૧૦ હોટ સ્પોટ વિસ્તારો જાહેર કરાયા હતા. આજે વધુ લિંબાયત અને સેન્ટ્રલ ઝોનના વધુ બે પોકેટો રેડ ઝોન તરીકે જાહેર કરાયા છે.


સોશિયલ ડિસ્ટન્સનો સંપૂર્ણ અમલ થઇ શકે અને લોકડાઉનનો ૧૦૦ ટકા પાલન થઇ શકે તે હેતુથી હોટસ્પોટ વિસ્તાર તરીકે જાહેર થયેલ કુલ પૈકી અઠવા, લાલગેટ, સલાબતપુરા, મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર અને લિંબાયત પોલીસ મથક હેઠળનો કમરુનગર પોલીસ ચોકીના વિસ્તારમાં લોકોની અવર-જવર પર પ્રતિબંધ રહે તે માટે કરફ્યુ નાખી દેવામાં આવ્યો છે.