રાજકોટમાં બે દિવસ પહેલા લોક સાહિત્યકાર દેવાયત ખવડના વિવાદે જોર પકડ્યું છે. દેવાયત ખવડ અને અન્ય એક વ્યક્તિ દ્વારા મયુરસિંહ રાણા નામના વ્યક્તિને ઢોર માર મારવામાં આવ્યો હતો. નંબર પ્લેટ વગરની કારમાંથી ઉતરીને બંન્ને લોકોએ મયુરસિંહ રાણાને ઢોર માર માર્યો હતો. ત્યારે બે દિવસ બાદ પણ આજે દેવાયત ખવડ પોલીસ પકડથી દૂર છે. આજે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજની મહિલાઓ પોલીસ કમિશનરની કચેરીએ રજૂઆત કરવા પહોંચી હતી. દેવાયત ખવડથી ઝડપથી ધરપકડ થાય તે માટે ક્ષત્રિય સમાજની મહિલાઓએ માગ સાથે આક્રોષ વ્યક્ત કર્યો હતો. (Pic-devayatkhavad_official)
બુધવારના રોજ રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સર્વેશ્વર ચોક નજીક મયુરસિંહ રાણા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં તેમના હાથ અને પગના ભાગે તેમને ઇજા પહોંચાડવામાં આવી હતી. પીડિતે સમગ્ર મામલે પોતાને માર મારનાર અન્ય કોઈ નહીં પરંતુ લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને અજાણ્યા ઈસમ હોવાનું જણાવ્યું હતું.
પોલીસને આપેલી ફરિયાદમાં ફરિયાદી મયુરસિંહ રાણાએ જણાવ્યું છે કે, હુમલા પાછળનું કારણ આજથી એકાદ વર્ષ પૂર્વે દેવાયત ખવડની બાજુમાં રહેતા મારા મામાને ત્યાં પાર્કિંગ બાબતે માથાકૂટ થઈ હતી. જે બાબતનો ખાર રાખી દેવાયત ખવડ સહિત બે લોકોએ મારા પર હુમલો કર્યો હતો. જ્યારે કે અન્ય એક વ્યક્તિ કાર ચાલક તરીકે મદદગારીમાં હતો. (Pic-devayatkhavad_official)