અમદાવાદ: કેનેડામાં આવેલા નાયગ્રા ધોધએ વિશ્વની સૌથી મોટી કુદરતી અજાયબી છે. આ નાયગ્રા ધોધ પર પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતિ વિશેષ રોશની સાથે ઉજવવામાં આવી છે. સાથે જ નાયગ્રા ધોધ પર તેમના જીવન, કાર્ય અને વારસાને શ્રદ્ધાંજલિ સ્વરૂપે દર્શાવવામાં આવ્યા છે. BAPS સ્વામિનારાયણ સંસ્થાનું પ્રતિનિધિત્વ કરતા સફેદ અને લાલ રંગની રોશની નાયગ્રા ધોધ પર કરવામાં આવી હતી. BAPSના સંતગણ અને સ્વયંસેવકોએ આરતી સાથે પૂજા સેવા કરી હતી. સાથે જ ધોધની મુલાકાત લેનારાઓની સુખાકારી અને તમામ કેનેડિયનોની શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરાઇ હતી.
નાયગ્રા ધોધ, સૌથી મોટા અને સૌથી શક્તિશાળી ધોધમાંનો એક છે અને વિશ્વની કુદરતી અજાયબી છે. પ્રમુખસ્વામી મહારાજ 27મી જુલાઈ, 1974ના રોજ તેમની પ્રથમ સત્તાવાર મુલાકાત માટે કેનેડામાં આવ્યા હતા. ત્યાર બાદ કેનેડાની તેમની 13 મુલાકાતો દરમિયાન પ્રમુખસ્વામી મહારાજે સાચે જ પોતાની છાપ છોડી હતી, પછી ભલે તે ટોરોન્ટોમાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરનું ઉદ્ઘાટન હોય કે પછી BAPS ચેરિટીઝ કેનેડા. 1988માં કેનેડિયન સંસદમાં પ્રમુખ સ્વામી મહારાજનું સન્માન કરવામાં આવ્યું હતું.
7 ડિસેમ્બર, 2022 ના રોજ પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતિ, નાયગ્રા પાર્ક્સ કમિશન અને નાયગ્રા ફોલ્સ ઇલ્યુમિનેશન બોર્ડે દ્વારા રોશની સાથે તેમના જીવન, કાર્ય અને વારસાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. નાયગ્રા પાર્કના અધિકારીઓ અને BAPS સ્વામીઓએ પ્રમુખ સ્વામી મહારાજના સન્માનમાં ધોધને સફેદ અને કેસરી રંગોમાં પ્રકાશિત કર્યો હતો.