

મયુર માકડિયા, ગાંધીનગર : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે. જ્યાં એક તરફ ભાજપમાં અંદરખાને હજુ પણ નારાજગી છે ત્યાં બીજી તરફ ભાજપે ચૂંટણી જીતવા માટે કમર કસી લીધી છે. ત્યારે મતદારોને આકર્ષવા માટે ખાસ વીડિયો બનાવવામાં આવ્યા છે. ‘ગુજરાત છે મક્કમ ભાજપ સાથે અડીખમ’ સ્લોગન સાથે આજથી 6 મહાનગરમાં પ્રચારનું રણશીંગુ ફૂંકાશે.


ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા સતત ભાજપાની વિકાસલક્ષી-પ્રજાલક્ષી-ગરીબકલ્યાણની યોજનાઓનો વિરોધ થતો આવ્યો છે. કોંગ્રેસે દેશના રાજ્યોમાં તેમજ ખાસ કરીને ગુજરાતમાં તો ખૂબ મોટા વિરોધી પેદા કરીને ગુજરાતના વિકાસની યાત્રા અટકાવવાના નિષ્ફળ પ્રયાસ કર્યા હતા. શ્રીરામમંદિર જન્મ ભૂમિના વિવાદને તુષ્ટિકરણની રાજનીતિ ખાતર શ્રીરામમંદિર નિર્માણના કાર્યને અટકાવાનું, લટકાવાનું અને ભટકાવાનું પાપ કોંગ્રેસે કર્યું છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાને અટકાવી ગુજરાતના ખેડૂતો, નાગરિકો અને ગુજરાતની ધન્યધરાને તરસતી રાખવાનું મહાપાપ કોંગ્રેસે કર્યું છે. વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા અને વિશ્વભરમાં સુપ્રસિદ્ધ થયેલા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી' ને લોખંડના ભંગાર સાથે સરખાવીને ભારત-રત્ન લોખંડી પુરુષ, ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કરવાનું ઘોર પાપ કોંગ્રેસે કર્યું છે.


સી આર પાટીલે કહ્યું હતું કે સાબરમતી રીવર ફ્રન્ટ, કાંકરીયા લેકફ્રન્ટ, સરદાર વલ્લભભાઈ પટેલ (SVP) હોસ્પિટલ, સુજલામ સુફલામ યોજનાનો વિરોધ કર્યો હતો, પરંતુ દેશ અને રાજયના નાગરિકોના અઢળક પ્રેમ અને આશીર્વાદના કારણે ભાજપ દરેક કાર્યમાં મક્કમ રહ્યું અને તેના પરિણામે ગુજરાત અડીખમ છે. મહત્વનું છે કે આજથી શરૂ થનારા કેમ્પઈનમાં ભાજપ દ્વારા મક્કમતાથી વિપરીત પરિસ્થિતિઓમાં પણ કઈ રીતે નિર્ણય લેવાયા એનો તો ઉલ્લેખ છે કે સાથે કોંગ્રેસ પર પલટવાર પણ કરવામાં આવ્યો છે. જેમાં કોંગ્રેસ દ્વારા ગુજરાતને ક્યાં મુશ્કેલીઓ પડી એનો ઉલ્લેખ કરાયો છે. સી આર પાટીલે વધુમાં જણાવ્યું કે તુષ્ટિકરણની રાજનીતિ માટે કોંગ્રેસે મહિલાઓના માન-સન્માનના સંવેદનશીલ વિષય ત્રિપલ તલાક બીલનો પણ વિરોધ કરીને મહિલા વિરોધી માનસિકતાનો પરિચય દેશના નાગરિકોને આપ્યો હતો. દેશમાં અડધો-અડધ મહિલાઓ છે તેમના માન-સન્માનનું રક્ષણ કરવું એ આપણી પ્રાથમિક ફરજ છે. ગુજરાત અને ગુજરાતના નેતાઓ કોંગ્રેસને હરહંમેશ આંખમાં કણાની જેમ ખૂંચતા રહ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહનો સતત વિરોધ કોંગ્રેસ કરતી આવી છે. મોદી વિરોધમાં કોંગ્રેસનું નેતૃત્વ આંધળું બનીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રજાલક્ષી, જનકલ્યાણ, ગરીબલક્ષી, ખેડૂતલક્ષી, રાષ્ટ્રહિત તેમજ રાષ્ટ્ર સુરક્ષાની બાબતોનો કોંગ્રેસે સતત વિરોધ કરીને દેશના વીર જવાનો, કિસાનો, પ્રજાજનોનો વિરોધ કરી રહી છે.


આ અંગે પ્રદેશમંત્રી, સ્થાનિકસ્વરાજની ચૂંટણીના ઇન્ચાર્જ, પ્રચાર-પ્રસાર સમિતિના ઇન્ચાર્જ મહેશ કસવાલાએ ઓનલાઇન-ઓફલાઇન પ્રયાર સાહિત્યની માહિતી આપતા જણાવ્યુ કે 40 જેટલી એક મિનિટની નાની ફિલ્મો, 20 જેટલી મોટી ફિલ્મો, 21 જેટલી હોડીંગ્સની નવીન ડિઝાઈનો, 19 જેટલા આકર્ષક GIFનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ વિવિધ માધ્યમો થકી ચૂંટણી પ્રચાર-પ્રસારનું શ્રી ગણેશ આજે પ્રદેશ કાર્યાલય "શ્રી કમલમ” ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના વરદ હસ્તે કરવામાં આવ્યું છે.