Dhairya Gajara, Kutch: કચ્છનું ઐતિહાસિક માંડવી શહેર જેટલું દાબેલી માટે જાણીતું છે, એટલું જ પોતાના વહાણવટાના ઉદ્યોગ માટે પણ જાણીતું છે. 400 વર્ષથી અહીં લાકડાના વિશાળ વહાણ બનાવવાનો ઉદ્યોગ ધમધમે છે, પરંતુ છેલ્લા બે દાયકામાં આ ઉદ્યોગમાં મંદી આવી છે. આ મંદીને દૂર કરી શકે તેવા એક નવા અધ્યાયની શરૂઆત હાલ માંડવીના દરિયાકાંઠે થઈ ગઈ છે.
ગાંધીધામ સ્થિત રિષી શિપિંગ કંપની કંડલા બંદર પર 25 બાર્જ અને 3 ફ્લોટિંગ ક્રેન ધરાવે છે. તેમના નવા સાહસમાં તેમણે પોર્ટ ટુ પોર્ટ માલનું વાહન કરી શકે તેવા એક મહાકાય જહાજ બનાવવાની શરૂઆત કરી હતી. માંડવી પોર્ટની સામે પાર સલાયા ગામ તરફના કિનારે આ મહાકાય જહાજ તૈયાર થઈ રહ્યું છે, જેને બનાવવામાં જ માત્ર એક હજાર ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.