

રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર : એક તરફ સમગ્ર રાજ્યમાં લૉકડાઉન લાગુ છે ત્યારે લીંબડીમાં આજે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ ધીંગાણામાં લીંબડીના એક જ સમાજના બે પરિવારો વચ્ચે અગાઉ થયેલા ઝઘડાની આડમાં મારામારી થઈ હતી. આ લોહિયાળ અથડામણમાં બંને પરિવારના લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત થયેલા લોકોંને સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા છે.


જૂથ અથડામણમાં 9 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. બોથડ પદાર્થો લઈને એક બીજા પર તૂટી પડેલા લોકોનો એક વીડિયો જોતજોતામાં વાયરલ થઈ ગયો હતો અને તેમાં જૂથ અથડામણની વાત વાયુવેગે પ્રસરી ગઈ હતી.


વીડિયોમાં કેટલાક લોકોના હાથમાં ધારદાર હથિયારો જોવા મળ્યા હતા. નજીવી બાબતે એક જ સમાજના બે પરિવારો ઝઘડ્યા ત્યારે લાંબા સમય સુધી પોલીસ ઘટના સ્થળે પહોંચી નહોતી. એક બાજુ લોકો ઘરોમાં બંધ છે ત્યારે લીંબડીમાં છેલ્લા 24 કલાકમાં આ ત્રીજી હિચકારી ઘટના બની છે.


અહેવાલો મુજબ લીંબડીમાં 24 કલાકમાં સતત ત્રીજી ગુનાહિત ઘટના ઘટી છે. લીંબડીમાં લૉકડાઉનમાં પણ ફાયરિંગ, લૂંટ જેવી ઘટનાઓ સામે આવી છે. આમ સુરેન્દ્રનગર જિલ્લામાં લૉકડાઉનમાં પણ અસામાજિક તત્વોનો ત્રાસ યથાવત રહ્યો છે.