દીનેશ સોલંકી,ગીરસોમનાથ: ઉત્તરપ્રદેશનો યુવાન અનોખી સાઈકલ યાત્રા કરી રહ્યો છે. આ યુવાન ગાઝિયાબાદથી બાર જ્યોતિર્લિંગ મંદિરો સહિત પ્રમુખ તીર્થ મંદિરોમાં દર્શન કરવા સાઈકલ પર નીકળ્યો છે. યુવાનની ઇચ્છા છે કે, નોકરી મળે તે પહેલા હિન્દુ સંસ્કૃતિને જાણવી છે. જેથી તે 1700 કિલોમીટરનું અંતર કાપી સોમનાથ પહોંચ્યું છે. અહીં તેણે મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી છે.
આજના યુવાનો બીચ અને મસમોટા રિસોર્ટમાં મોજ મસ્તી કરતા હોય છે. પરંતુ હિન્દુ સંસ્કૃતિને જાણવા ભાગ્યેજ કોઈ યુવાન પ્રયત્ન કરતા હોય છે. ત્યારે ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદના રોહિત રોયને અનોખી ઈચ્છા જાગી છે. તેવી ઈચ્છા એવી છે કે, જે સામાન્ય રીતે કોઈ વ્યક્તિ પોતાની નિવૃત્તિના કાર્યકાળ દરમ્યાન આ પ્રકારનું આયોજન કરતા હોય છે.
કારણ કે, પહેલા પગભર થવું અને ત્યારબાદ લગ્ન જીવન સાથે અઢળક પૈસા કમાવવા અને ત્યારબાદ વૃદ્ધા અવસ્થામાં તીર્થધામોમાં જઈ હરિ નામ લેવું. જોકે, ઉત્તરપ્રદેશના આ યુવાનને હિન્દુ સંસ્કૃતિની વિરાસતો જોવા અને જાણવા માટે ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદથી દેશભરમાં જુદા જુદા સ્થળોએ આવેલા બાર જ્યોતિલીંગ મંદિરો તથા પ્રમુખ તીર્થ મંદિરોમાં દર્શન કરવા અર્થે સાઈકલ યાત્રાએ નીકળ્યો છે.
ઉત્તરપ્રદેશના ગાઝિયાબદમાં રહેતો રોહિત રાય નામનો યુવક અનોખા વિચાર સાથે દેશભરમાં આવેલા બાર જ્યોતિર્લિંગ મંદિરો તથા પ્રમુખ તીર્થ મંદિરોની તીર્થયાત્રા કરવા માટે સાઈકલ ઉપર તેના વતન ઉત્તરપ્રદેશના ગાઝિયાબદથી સાઈકલ ઉપર સવાર થઈને નીકળ્યો છે. જે 24 દિવસ સાયકલ ઉપર પ્રવાસ કરીને પ્રથમ જ્યોતિલીંગ સોમનાથ મહાદેવના ધામમાં પહોંચ્યો હતો.
આ અંગે રોહિત રાય જણાવે છે કે, હું પગભર બનવા માટે નોકરી કરવાની શરૂ કરું તે પહેલા આપણી હિન્દુ સંસ્કૃતિનું કલ્ચર જાણવું છે. આ માટે દેશભ્રમણ માટે સાયકલ ઉપર નીકળ્યો છું. આ યાત્રા ગાઝિયાબદથી શરૂ કરીને ગુજરાતના પ્રખ્યાત તીર્થ સ્થાન દ્વારકા અને નાગેશ્વર જ્યોતિલીંગના દર્શન કરીને 24 દિવસ સાયકલ ઉપર પ્રવાસ કરીને યાત્રાધામ સોમનાથ પહોંચ્યો છું.
આગામી દિવસોમાં દેશભરમાં અન્ય જ્યોતિર્લિંગ મંદિરો અને પ્રમુખ તીર્થ મંદિરોની મુલાકાતે સાયકલ ઉપર જઈશ. મારી આ યાત્રા સાતથી આઠ મહિના સુધી ચાલશે. જેમાં દસેક હજાર કિમીનો તીર્થ યાત્રાનો પ્રવાસ સાઈકલ ઉપર જ કરીશ. વધુમાં રોહિતએ જણાવેલ કે, હું સાયકલ યાત્રા દરમ્યાન મંદિર આસપાસની ધર્મશાળાઓમાં રોકાણ કરી ત્યાં જ ખાવા-પીવાનું રાખુ છું. ક્યાંય હોટલમાં રોકાણ કરતો નથી.