દિનેશ સોલંકી, ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા, ઉના અને તાલાળામાં ગઈકાલે બપોર બાદ વાતાવરણમાં અચાનક કરા અને પવન સાથે ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો. જેના કારણે વિશ્વવિખ્યાત કેસર કેરીના પાકને ભારે નુકસાન થતા ખેડૂતોએ સરકાર પાસે મદદની માંગ કરી છે. આ સાથે ખેડૂતો જણાવી રહ્યા છે કે, આ આખા પટ્ટામાં 50થી 60 ટકા જેટલો કેરીનો પાક નાશ પામ્યો છે તેમ કહી શકાય છે.
ગીર સોમનાથ જિલ્લામાં કેસર કેરીના ગઢ ગણાતા ત્રણ તાલુકા મુખ્ય તાલાલા, ગીર ગઢડા અને ઉનામાં મોટાભાગે કેસર કેરીનું વાવેતર સાથે અન્ય નાના પાકો પણ લેતા હોય છે. ત્યારે ગઈકાલે બપોર બાદ અચાનક ભારે પવન કડાકા અને ભડાકા સાથે વરસાદ પડતા ખેડૂતોની વર્ષભરની મહેનત પર પાણી ફરી વળ્યું છે અને ફરી ખેડૂતો ચિંતાતુર બન્યા છે.
છેલ્લા પાંચેક વર્ષથી તાલાલા ગીર પંથકમાં કોઈને કોઈ ઘટનાને કારણે કેસર કેરીનો પાક સતત ઘટી રહ્યો છે. તો બીજી તરફ બે વર્ષ પહેલા આવેલા તાઉતે વાવાઝોડાએ ઉના અને ગીર ગઢડામાં તબાહી મચાવી હતી. જોકે ત્યારબાદ ઉનાના ખેડૂતોએ મહામહેનતે બે વર્ષ બાદ કેસર કેરીના ઝાડને તૈયાર કર્યા હતા. ત્યારે ફરી એકવાર આવી કુદરતી આફત આવી ગઇ છે.