હોલિકા દહન બાદ એટલેકે સવારે 4 કલાકે તમામ લાકડા બળી ગયા બાદ દેતવા (અંગારા)ને કાઢી અમુક ફૂટ લંબાઇમાં પાથરી દેવામાં આવે છે અને ત્યાર બાદ એ અંગારા પર ગામના વૃદ્ધો અને યુવાનો ચાલે છે. ત્યાર બાદ હોળીની વચ્ચે જમીનમાં દાટેલો કુંભ બહાર કઢાય છે. આ કુંભમાં કાચું ધાન્ય જેવું કે, ઘઉં, ચણા, મગ તેમજ અન્ય કઠોળ ભરવામાં આવ્યું હોય છે. આ કાચું ધાન્ય જે પ્રમાણે બફાય તેના પરથી આવનારા વર્ષનો વરતારો કરવામાં આવે છે.
આ વખતે દેવળી ગામના વડીલો દ્વારા કુંભના ધાન્યને જોઈને વરતારો કરવામાં આવ્યો છે કે, આગામી ચોમાસુ 10 આની રહેશે. એટલે કે પાક અને પાણીનું ચિત્ર બહુ સારું રહેશે નહીં. ગામ લોકોના કહેવા પ્રમાણે સદીઓથી આ પરંપરા ચાલતી આવી છે અને આજે પણ તે પ્રથા જાળવી રાખી છે. ગામના 37 વડીલો અને 17 યુવાનો એમ કુલ 54 વ્યક્તિઓ આજે હોળીના અંગારા પર ખુલ્લા પગે ચાલ્યા હતા.