દિનેશ સોલંકી, ગીર સોમનાથ: છેલ્લા ઘણા દિવસથી ગીરના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેને લઈને ભરઉનાળામાં પણ ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. બે દિવસ પહેલા અહીંના ઉના, ગીર ગઢડા અને તાલાલામાં ભારે પવન અને કરા સાથે વરસાદ ખાબક્યો હતો. આજે તાલાલાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી એક વખત ધોધમાર વરસાદ ખાબકતાં ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે. ભારે વરસાદ પડતાં અહીંના કેરી પકવતા ખેડૂતો ભારે ચિંતામાં મૂકાયા છે.
ગઈકાલે સાસણ, ગીર અને મેંદરડા આસપાસના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો અને આજે ફરી એક વખત મેઘરાજાએ ગીરને નિશાન બનાવ્યું છે. વહેલી સવારે ગીર સોમનાથના તાલાલાના જાવંત્રી ગામે સવારે 9 કલાક આસપાસ ધોધમાર વરસાદ ખાબક્યો હતો, તો તાલાલાના ધાવા, માધુપુર અને આસપાસના વિસ્તારમાં પણ વરસાદ ખાબકી ચૂક્યો છે. સુત્રાપાડા તાલુકાના પ્રશ્નનાવડા અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદના ઝાપટા આવતાં ખેડૂતો પરેશાન થયા છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યના ઉત્તર તથા સૌરાષ્ટ્રના ભાગોમાં વસસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં ગઈકાલે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ અને અમદાવાદ સહિતના ભાગોમાં વરસાદ થયો હતો. આજે પણ સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં વરસાદી વાતાવરણ રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં માવઠું વિરામ લેશે તેવી આગાહી સાથે ગરમીનું જોર વધવાની વકી પણ વ્યક્ત કરવામાં આવી છે.