દિનેશ સોલંકી, ગીર સોમનાથ: ગીર સોમનાથના ઉના તાલુકાના દેલવાડા ગામનો જાંબાઝ યુવાન અનોખી સેવા કરી રહ્યો છે. દેલવાડા ગામના યુવાનને કોલ આવતા જ જીવની પરવા કર્યા વિના પહોંચી જાય છે ઘટના સ્થળે. આ યુવાન સર્પને પકડવામાં માહેર છે. 7 વખત સાપે ડંખ માર્યા છતાં 1000 જેટલા સર્પનું રેસ્ક્યૂ કરી સુરક્ષિત જગ્યાએ મુક્ત કર્યા છે.
સાપ કે નાગનું નામ સાંભળતા જ શરીરના રૂંવાડા ઉભા થઇ જતા હોય છે. એમાં પણ ઘરમાં કે આસપાસમાં અચાનક નાગ ચડી આવે ત્યારે લોકોની સ્થિતિ કફોડી બની જતી હોય છે. તાત્કાલિક શું કરવું તે પણ સમજાતું નથી. આખરે કોઈ સર્પવીદ કે અન્ય વ્યક્તિ કે જે સર્પ પકડવામાં માહેર હોય તેની યાદ આવે અને તુરંત તેનો સંપર્ક નંબર શોધવાના પ્રયત્ન શરૂ થાય. દેલવાડાના આ સાહસિક યુવાને અસંખ્ય ઝેરી સાપોને પકડી સલામત સ્થળે મુક્ત કર્યાં છે.
સાપને પકડવા દરમિયાન સાત વખત સર્પદંશનો ભોગ બન્યા હોવા છતાં પોતે હિંમત રાખી સેવા કરી રહ્યાં છે. દેલવાડાના સાહસિક યુવાનએ જીવ સૃષ્ટિ બચાવવાનો અનોખો પ્રયાસ કરતા યુવાન આ વિસ્તારમાંથી અસંખ્ય ઝેરી સાપોને પકડી પાડયા છે અને નવું જીવનદાન આપ્યું છે. સાપને પકડવા દરમિયાન અનેક વખત સાપે ડંસ માર્યો હોવા છતાં પોતે સાહસ કરી પોતાના જીવના જોખમે જ્યાં પણ સાપ નીકળે ત્યારે લોકો તેને જાણ કરે એટલે તે સેવા માટે પહોંચી જાય છે. તે સાપને સલામત રીતે પકડી અને જંગલમાં મુક્ત કરી આવે છે.
આ વિસ્તારમાં મોટાભાગે ઝેરી કિંગ કોબ્રા હોય છે. તેમને પણ સફળતાપૂર્વ પકડીને જંગલમાં છોડી આવે છે. આસપાસના વિસ્તારમાં હિંમતભાઈ દ્વારા અનેક માનવ જિંદગી તેમજ ઝેરી સર્પોને નવું જીવન આપ્યું છે. ઝેરી સર્પનો નામ લેતા જ ભલભલાના પસીના છૂટી જાય ત્યારે હિંમતભાઈના કામને લોકોએ સાહસિક યુવાન તરીકે બિરદાવી રહ્યા છે.