દક્ષિણ સૌરાષ્ટ્રમાં ઉના પાસે આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં આગ લાગવાની ઘટના બની છે. બીચ પર દરિયાની મજા માણવા માટે આવતા પ્રવાસીઓ માટે બનાવવામાં આવેલા ચેન્જિંગ રૂમમાં વિકરાળ આગ લાગવાની ઘટના બની હતી. બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ થતા આગ પર કાબૂ મેળવી લીધો છે. જોકે, આ આગ લાગવા પાછળનું કારણ શું હતું તે હજુ સુધી જાણવા મળ્યું નથી. આગ એટલી વિકરાળ હતી કે તેની સામેની બાજુએ આવેલી હોટલમાં રોકાયેલા લોકો પણ જોવા માટે બહાર દોડી આવ્યા હતા.
ફાયર બ્રિગેડને બનાવ અંગે જાણ કરવામાં આવતા કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો હતો પરંતુ છત સહિતનો લાકડાનો ભાગ હોવાથી તે બળીને ખાક થઈ ગયો હતો. જે સ્થળ પર આગ લાગી હતી તેની આસપાસ અન્ય રેકડીઓ પણ હતી જેથી કરીને તે આગની ચપેટમાં આવે તે પહેલા ફાયર બ્રિગેડ દ્વારા મહત્વના પગલા ભરીને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.