

સંજય ટાંક, અમદાવાદ : ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. જેમાં અનેક એવા તેજસ્વી તારલાઓ બોર્ડમાં ઝળક્યા છે ત્યારે નારણપુરામાં ઓટો ગેરેજ ચલાવનારની પુત્રી બોર્ડમાં ઉત્તીર્ણ થઈ હવે બેન્ક ઑફિસર બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તો અન્ય એક વિદ્યાર્થીએ સોશિયલ મીડિયા અને ફ્રેન્ડ સર્કલના કારણે પરિણામ નીચું આવ્યાનો નિખાલસ સ્વીકાર કર્યો છે. ધોરણ 10નું પરિણામ 60.64 ટકા જાહેર થયુ છે. જોકે ગત વર્ષ કરતા આ વર્ષે 5 ટકા ઓછું પરીણામ જાહેર થયું છે.


આ વર્ષે તેજસ્વી વિદ્યાર્થીઓમાં કેટલાક એવા પણ છે કે જે ગરીબ અને મધ્યમ વર્ગ પરિવારમાંથી આવે છે. જેમાની એક છે વિધિ પટેલ કે જેના પિતા ઓટો ગેરેજ ચલાવે છે. હાલના સમયમાં મોંઘા શિક્ષણના જમાનામાં બાળકોને ભણાવવા કપરું છે છતાં દીકરી સારા માર્કસ એ પાસ થઈ તેની ખુશી કેતનભાઈ પટેલ વ્યક્ત કરી રહ્યા છે. વિધિ જણાવે છે કે તેને 84.68 પર્સેન્ટાઇલ અને બોર્ડમાં 66 ટકા આવ્યા છે. પિતા કામમાં વ્યસ્ત હોવાના કારણે ધ્યાન આપી શકતા ન હતા પણ માતા એ અભ્યાસમાં ખૂબ મદદ કરી છે. વિધી પોતે બેંકમાં ઓફિસર બનવાની ઈચ્છા ધરાવે છે.


બીજી તરફ ચાંદલોડિયામાં રહેતા અને સુથારી કામ કરતા વિનોદભાઈ સુથારનો પુત્ર કૌશલે ધોરણ 10માં 92 પર્સેન્ટાઇલ અને બોર્ડમાં 73 ટકા મેળવ્યા છે. કૌશલ એ વાતનો સ્વીકાર કરે છે કે બોર્ડની પરીક્ષામાં મહેનત જોઈએ તેટલી ન હોતી કરી જેથી પરીણામ નીચું આવ્યું છે. આ માટે તે સોશિયલ મીડિયા અને ફ્રેન્ડ સર્કલ સાથે કરેલા સમયના બરબાદીને જવાબદાર ગણે છે. તેના પિતા કહે છે કે દીકરો આગળ વધે તેમાં ખુશી છે. જોકે આજકાલ છોકરાઓ મોબાઇલ અને ગેમ્સ પાછળ વધુ ધ્યાન આપે છે. જોકે કૌશલને હવે સાયન્સ લઈ એન્જીનિયરીંગ ફિલ્ડમાં આગળ વધવાની ઈચ્છા છે.


કાર ડ્રાઈવર શૈલેષ પટેલની દીકરી એશા પણ સીએ બનવાની ઈચ્છા છે. એશાને 82.60 પર્સેન્ટાઇલ અને બોર્ડમાં 64 ટકા આવ્યા છે. મહત્વનું છે કે અભ્યાસમાં અને જીવનના ઘડતર માટે ધોરણ 10 એ કારકિર્દી ઘડવાનું પ્રથમ પગથિયું ગણાય છે અને અહીંથી જ કારકીર્દીની નવી દીશાઓ ખુલે છે ત્યારે આ વિદ્યાર્થીઓએ ધોરણ 10માં ઉત્તીર્ણ થઈ પ્રથમ પડાવ પાર કરી લીધો છે.