

અરવલ્લી જિલ્લાના બાયડમાં ગણેશ વિસર્જન યાત્રામાં અનોખો દેશભક્તિનો રંગ જોવા મળ્યો હતો. ભગવાન ગણેશની વિસર્જન યાત્રામાં 111 ફૂટ લાંબા તિરંગા સાથે પુલવામાના શહીદોને યાદ કરીને શ્રદ્ધાંજલિ અપાઇ હતી. (હાર્દિક પટેલ, અરવલ્લી)


સોમવારથી ગણેશ ચતુર્થીનો પ્રારંભ થયો છે ત્યારે સામાન્ય રીતે ભક્તો દ્વારા પોતાની માનતા મુજબ દોઢ દિવસ, ત્રણ દિવસ તેમજ સાત દિવસ અને ૧૧ દિવસના ગણપતિજીની સ્થાપના કરતા હોય છે.


અરવલ્લી જિલ્લામાં પણ છ તાલુકા મથકો ખાતે 50થી વધુ ગણેશ મંડળો દ્વારા જુદા જુદા ગણેશ પંડાલોમાં ગણેશજીની સ્થાપના કરાઈ છે.


ત્યારે બાયડ ખાતે પણ બાયડ ગણેશ મડળ દ્વારા ત્રણ દિવસ માટે 6 ફૂટની ઊંચાઈ ધરાવતાં ગણેશજીની સ્થાપના કરાઈ હતી.


ત્યારે ત્રણ દિવસના પૂજન અર્ચન બાદ આજે ગણેશજીનું વિસર્જન કરાયું હતું. ત્યારે આ ગણેશ વિસર્જન યાત્રા એક અલગ પ્રકારે દેશ ભક્તિના રંગમાં રગાયેલી જોવા મળી હતી.


આ યાત્રામાં મંડળ દ્વારા 111 ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ બનાવાયો હતો. જેના નીચે પુલવામામાં શહીદ થયેલા શહીદોના ફોટા લગાવી શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ અપાઈ હતી.


જ્યારે મંગળયાન તેમજ શહીદોના ટેબલો પ્રદર્શિત કર્યા હતા. ત્યારે ભગવાન ગણેશની આ વિસર્જન યાત્રા ભગવાનની સાથે દેશભક્તિના રંગમાં રંગાયેલી જોવા મળી હતી.