ગાંધીનગર (Gandhinagar) નજીક રૂપાલ ગામમાં (Rupal Palli) દર વર્ષે નવરાત્રીમાં (Navratri) વરદાયીની માતાની ઐતિહાસિક પલ્લી યોજાય છે. તેમાં માતા વરદાયિની માતાનાં આશીર્વાદ મેળવવા અને પલ્લી જોવા દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો એકઠા થાય છે અને ઘીની (Ghee) નદીઓ ગામમાં વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે આ ઐતિહાસિક પલ્લી ન યોજવા સરકારે (Gujarat Government) અને તંત્રએ મંજૂરી આપી ન હતી. પરંતુ છેલ્લી ઘડીએ સરકાર આખરે ઝૂકી અને પોલીસની હાજરીમાં વરદાયિની માતાની પલ્લી થોડા જ લોકો સાથે નીકાળવાની મંજૂરી આપી હતી. પોલીસ દ્વારા ગામની ફરતે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આખરે 45 મિનિટમાં ગામના 200 જેટલા લોકોની હાજરીમાં વરદાયિની માતાની પલ્લી (Vardayini mata Palli) યોજાઈ હતી.
રૂપાલ ખાતે આશરે 5000 વર્ષથી ચાલી આવતી ઐતિહાસિક પલ્લી આ વખતે પણ નીકળી પરંતુ એકદમ સાદાઇ સાથે. પાંડવોના સમયથી ચાલી આવતી ધાર્મિક પરંપરા મુજબ દર વર્ષે આસો સુદ નોમના દિવસે પલ્લી ભરાય છે. દર વર્ષે પલ્લીમાં લાખોની સંખ્યામાં લોકો દર્શનનો લાભ લેતા હોય છે. આ વખતે કરોના કાળમાં માત્ર 200 લોકોની હાજરીમાં પલ્લી નીકળી હતી. આ સાથે આ વખતની પલ્લીમાં વીડિયો શૂટિંગ પણ કરવા દેવામાં આવ્યું ન હતું. (ગયા વર્ષની તસવીર)
ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે મા વરદાયિનીની પલ્લીના ઇતિહાસ પર નજર કરીએ તો, દ્વાપર યુગમાં પાંડવોએ ગુપ્તવાસમાં જતાં પહેલાં પોતાના શસ્ત્રો ખીજડાના એક વૃક્ષની નીચે છૂપાવ્યા હતા. આ શસ્ત્રોની રક્ષા માટે તેઓએ વરદાયિની માતાને પ્રાર્થના કરી હતી. જંગલની વચ્ચે ઘેરાયેલા રૂપાલ પંથકમાં ખીજડાના આ વૃક્ષની નીચે માતાજીની દેરી હતી. ગુપ્તવાસ પૂરો કરીને પાંડવો વિરાટનગર એટલે કે હાલના ધોળકામાંથી પરત ફરી શસ્ત્રો લેવા રૂપાલ આવ્યા ત્યારે શસ્ત્રોની પૂજા કરીને તેમણે પાંચ દિવાની જ્યોતવાળી પલ્લી બનાવી માતાજી પાસે મૂકી હતી. આ પછી હસ્તિનાપુરના યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ કૃષ્ણ સાથે પાંડવો ફરી અહીં આવ્યા હતા. જે બાદ સોનાની પલ્લી બનાવીને યાત્રા યોજી હતી. આ સમયથી એટલે કે પાંચ હજાર વર્ષથી રૂપાલમાં વરદાયિની માતાની પલ્લીનો મેળો પ્રતિ વર્ષ નવરાત્રી પર્વના નવમાં નોરતે યોજાય છે. (ગયા વર્ષની તસવીર)