ગાંધીનગર: ગુજરાત સરકારે આજે આગામી ચાર વર્ષ માટે રાજ્યમાં ઇલેક્ટ્રિક વ્હીકલ પોલીસી (Gujarat electric vehicle policy) જાહેર કરી છે. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)એ પ્રેસ કૉન્ફરન્સ સંબોધીને આ અંગેની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીના દાવા પ્રમાણે વાહનો પર સબસિડી (Subsidy)ની જાહેરાત કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. આ સાથે જ સરકાર તરફથી રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં 500 જેટલા ચાર્જિંગ પોઇન્ટ્સ (Charging points) પણ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
કયા વાહન માટે કેટલી સબસિડી?: સરકારની જાહેરાત પ્રમાણએ દ્વીચક્રી વાહન માટે મહત્તમ રૂ. 20,000, થ્રી વ્હીલર એટલે કે રિક્ષા જેવા વાહનો માટે રૂ. 50,000 અને ફોર વ્હીલર એટલે કે મોટરકાર માટે રૂ. 1,50,000 સુધીની સબસિડી સરકાર ચૂકવશે. સરકારની જાહેરાત પ્રમાણે આ સબસિડી વાહનની ક્ષમતા એટલે કે કિલો વોટ પ્રમાણે ચૂકવવામાં આવશે. સરળ ભાષામાં સમજીએ તો જો સરકાર એવું નક્કી કરે કે ત્રણ કિલોવોટ માટે મહત્તમ 20,000 સબસિડી મળશે તો તેનાથી ઓછી ક્ષમતાના વાહનોનો ઓછી સબસિડી મળશે. જ્યારે કુલ ક્ષમતાનું બાઇક ખરીદવા પર પૂરેપૂરી સબસિટી મળશે. સરકારે જાહેર કરેલી રકમ મહત્તમ છે.
500 ચાર્જિંગ પોઇન્ટ્સ બનાવાશે: સરકારની ધારણા પ્રમાણે રાજ્યમાં 1.25 લાખ જેટલા ટુ-વ્હીલર, 75 હજાર જેટલી રિક્ષા અને 25 હજાર કાર ઇલેક્ટ્રિક કાર ફરતી થઈ શકે છે. ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા વધવાની સાથે જ તેમના ચાર્જિંગ માટેની વ્યવસ્થા ઊભી કરવી પડશે. આ માટે રાજ્યભરમાં 500 ચાર્જિંગ પોઇન્ટ્સ બનાવવામાં આવશે તેવી જાહેરાત સરકારે કરી છે. આ માટે 250 ચાર્જિંગ પોઇન્ટ્સને મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે સરકાર તરફથી 10 લાખ રૂપિયાની મર્યાદામાં રહીને કેપિટલ સબસિડી પણ આપવામાં આવશે.
ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા પાછળનો ઉદેશ્ય પ્રદૂષણ ઘટાડવાનો અને પેટ્રોલ-ડીઝલની વધી રહેલી કિંમતથી લોકોને રાહત આપવાનો છે. કારણ કે પેટ્રોલ-ડીઝલની સરખામણીમાં ઇલેક્ટ્રિક વાહનો ચલાવવાનો ખર્ચ ખૂબ ઓછો આવે છે. સરકારની જાહેરાત પ્રમાણે આગામી ચાર વર્ષ માટે આ પોલીસી લાગૂ રહેશે. આ સાથે જ સરકાર રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનને પણ પ્રોત્સાહન આપવા માંગે છે.