

ખેડાના કપડવંજ તાલુકાના નીરમાલી ગામનો પનોતો પુત્ર દિનેશ વાઘેલાનું નામ જિલ્લામાં ગૌરવથી લેવાય છે, 26 જૂન 1999ના રોજ પાકિસ્તાન સામે કારગિલ યુદ્ધ છેડાયું હતું, ભારતના વીર જવાનોએ કારગિલની અતિ ઉંચા પર્વતો ચીરી દુશ્મનોને ખદેડ્યા અને પાકિસ્તાનને હરાવી તિરંગો લહેરાવ્યો હતો, જો કે આ યુદ્ધમાં અનેર વીર સપૂતોએ શહાદત વહોરી હતી, જેમાં કપડવંજના નીરમાલી ગામના દિનેશ વાઘેલાનો પણ સમાવેશ થાય છે. (જનક જાગીરદાર, ખેડા)


યોગ્ય કાળજી ન લેવાતા શહીદ દિનેશ વાઘેલાનો પરિવાર નોંધારો બન્યો છે. સરકાર તરફથી આપવામાં આવતી જમીનની સહાય આજદીન સુધી મળી નથી.


એટલું જ નહીં પોતાનો હક્ક મેળવવા માટે શહીદ દિનેશ વાઘેલાના પિતા સરકારી કચેરીઓના ધક્કા ખાઇ રહ્યાં છે. કોઇ મિનિસ્ટર મદદ કરવા તૈયાર નથી, તેઓએ જણાવ્યું કે કચેરીઓમાં ટેબલે ટેબલે ફરું છું પરંતુ કોઇ હાથ પકડવા તૈયાર નથી.


કપડવંજ તાલુકાના નીરમાલી ગામના વતની દિનેશ વાઘેલા આર્મીમાં જોડાયા બાદ કારગિલ યુધ્ધ વખતે શહાદત વહોરી, 26મી જુલાઈ કારગિલ યુધ્ધ વિજય દિવસ મનાવવામાં આવે છે ત્યારે નીરમાલી ગામની પ્રાથમિક શાળાના બાળ વિદ્યાર્થીઓએ શહીદ દિનેશ વાઘેલાના સ્મારકને ફૂલ ચડાવી, તેમજ દિનેશ વાઘેલાના ફોટા સમક્ષ દીપ પ્રગટાવી નમન કરી શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા.


દિનેશ વાઘેલા જ્યાં અભ્યાસ કર્યો છે તે નિરમાલી પે સેન્ટર શાળાના આચાર્ય તારક ભટ્ટે જણાવ્યું કે કારગિલનું જ્યારે યુધ્ધ થયેલું ત્યારે અમારા ગામના સુપુત્ર દિનેશભાઇ વાઘેલાએ શહીદી વહોરી હતી, ત્યાબાદ અમારી શાળાનું નામ કરણ શહીદ જવાનના નામે કરવામાં આવ્યું હતુ.


જ્યારે દિનેશ વાઘેલા શહીદ થયા ત્યારે તેમની અંતિમ વિધિ નીરમાલી ખાતે યોજાઇ હતી, જેમાં રાજ્ય સરકારના અનેક મંત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા. તેઓએ પિતાને આશ્વાશન આપ્યું હતું કે અમે તમારી સાથે છીએ અને રાજ્ય સરકાર તરફથી 5 લાખ રૂપિયા તથા સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું, પરંતુ આજે શહીદ દિનેશનો પરિવાર દયનીય સ્થિતિમાં જીવન નિર્વાહ કરી રહ્યો છે.


શહીદ દિનેશ વાઘેલાના પિતા મોહનભાઇ વાઘેલા પોતાની આપવીતી જણાવી કે મારા 3 બાબા છે અને મોટો દિનેશભાઇતે અમદાવાદ ની મમતા સ્કૂલમાં શિક્ષક હતા બાદમાં તેઓ આર્મીમાં ભરતી થયેલા અને ભરતી થયાને 2 વર્ષ બાદ કારગિલના યુદ્ધમાં શહાદત વહોરી.


વીર જવાને તો તેની ફરજ પૂરી નિષ્ઠાથી નિભાવી અને દેશ માટે પ્રાણ ન્યોછાવર કર્યા પરંતુ સરકાર પોતાની ફરજ નિભાવવાનું ભુલી ગઇ, અને શહીદ દિનેશભાઇનો પરિવારની કાળજી લેવાની તસ્દી લીધી નથી.