મુંબઈ: તાજેતરમાં મહારાષ્ટ્રના પુણે ખાતે થયેલા એક લગ્નની ઇન્ટરનેટ પર ભારે ચર્ચા થઈ રહી છે. આ લગ્ન મહારાષ્ટ્રના રીતિ-રિવાજ પ્રમાણે થયા હતા. હવે તમે વિચારશો કે તો આ લગ્ન (Marriage)માં એવું તો શું ખાસ હતું કે તેની ચર્ચા થઈ રહી છે? આ લગ્ન આમ તો અન્ય મહારાષ્ટ્રીય લગ્ન જેવા જ હતા, પરંતુ લગ્નની સૌથી ખાસ વાત એ હતી કે લગ્ન સમારંભ દરમિયાન દુલ્હા (Groom) અને દુલ્હન (Bride) બંનેએ એકબીજાના ગળામાં મંગળસૂત્ર (Mangalsutra) પહેરાવ્યું હતું! સામાન્ય રીતે લગ્નની વિધિ પ્રમાણે દુલ્હો દુલ્હનના ગળામાં મંગળસૂત્ર પહેરાવતો હોય છે. પરંતુ આ લગ્નનામાં દુલ્હને પણ તેના દુલ્હાના ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યું હતું. જોકે, વિધિથી લગ્નમાં હાજર અનેક લોકો નારાજ પણ થયા હતા. બીજી તરફ આ તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ આ અંગે લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. (તસવીર સૌજન્ય: Humans of Bombay)
આ તસવીર વાયરલ થયા બાદ અનેક લોકોએ આ યુગલને ટ્રોલ કર્યું હતું. અનેક યૂઝર્સ એવી પણ કૉમેન્ટ કરી રહ્યા હતા કે, શું હવે દુલ્હો સાડી પણ પહેરશે? શું મહિનામાં એક વખત તેને માસિક પણ આવશે? દુલ્હા શાર્દુલ કદમે તાજેતરમાં Humans of Bombay સાથે પોતાની સ્ટોરી શેર કરી છે. જેમાં તેણે તેની લાઇફ પાર્ટનર તનુજાને મળવાથી લઈને લગ્ન વિશે વાત કરી હતી. આ દરમિયાન તેણે લગ્નની તસવીર વાયરલ થયા બાદ ટ્રોલર્સનો સામનો કેવી રીતે કર્યો હતો અને તેણે શા માટે મંગળસૂત્ર પહેર્યું હતું તે અંગે વાતચીત કરી હતી. (તસવીર સૌજન્ય: Humans of Bombay)
Humans of Bombay સાથે વાતચીત કરતા શાર્દુલે જણાવ્યું હતું કે, "સપ્ટેમ્બર, 2020 કે જ્યારે કોરોનાનું પ્રથમ મોજું સમી ગયું હતું ત્યારે અમે અમારા લગ્નની તૈયારી શરૂ કરી હતી. આ સમયે મેં વાતવાતમાં તનુજાને કહ્યું હતું કે આપણે બંને સમાન છીએ તો શા માટે તું એકલી જ મંગળસૂત્ર પહેરીશ? હું પણ મંગળસૂત્ર પહેરીશ! મારા માતાપિતા મારા નિર્ણયથી ખૂબ આશ્ચર્યચકિત હતા. સંબંધીએ પૂછી રહ્યા હતા કે તું આવું શા માટે કરવા માંગે છે? મેં તેમને કહ્યું હતું કે મારા માટે લગ્ન એ સમાનતા છે. સામાન્ય રીતે છોકરીના પરિવાર પર લગ્નના ખર્ચનો બોઝ આવે છે. મેં તનુજાને કહ્યું હતું કે, હું લગ્ન ખર્ચમાં પણ અડધો ભાગ આપીશ!" (તસવીર સૌજન્ય: Humans of Bombay)
શાર્દુલે વધુમાં જણાવ્યું હતું કે, "જ્યારે લગ્ન વિધિ દરમિયાન મેં અને તનુજાએ એકબીજાને મંગળસૂત્ર પહેરાવ્યું હતું ત્યારે મેં ધન્યતા અનુભવી હતી. સ્વભાવિક છે કે લગ્નમાં હાજર અમુક પુરુષોને આ વાત ગમી ન હતી પરંતુ તેઓ કંઈ બોલ્યા ન હતા." શાર્દુલ કહે છે કે, લગ્ન તો પૂર્ણ થઈ ગયા પરંતુ તેની તસવીર વાયરલ થયા બાદ અમારી ખરી મુશ્કેલી શરૂ થઈ હતી. લોકો દુલ્હાએ મંગળસૂત્ર પહેર્યું તે વાતની ટીકા કરવા લાગ્યા હતા. ત્યાં સુધી કે વર્તમાનપત્રોએ સનસની હેડલાઇનો છાપી હતી. લોકો સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રકારની ટિપ્પણી કરી રહ્યા હતા. ત્યાં સુધી કે ઉદારવાદીઓ પણ એવું કહેવા લાગ્યા કે મંગળસૂત્ર પહેરવું એ સ્ત્રી-પુરુષ સમાનતા નથી. (તસવીર સૌજન્ય: Humans of Bombay)
ટિપ્પણીઓનો કેવી રીતે સામને કર્યો તે અંગે શાર્દુલે જણાવ્યુ કે, અમને ખબર જ હતી કે કંઈક આવું થશે. અમે તેના તરફ ધ્યાન આપ્યું ન હતું. આજે અમારા લગ્નને ચાર મહિના થઈ ગયા છે. અમે એકબીજા સાથે સારો સમય વિતાવીએ છીએ. એકબીજાને કામમાં મદદ કરીએ છીએ તો આવી વાત પર ધ્યાન શા માટે આપવું? (તસવીર સૌજન્ય: Humans of Bombay)
શાર્દુલ અને તનુજા કૉલેજમાં એકબીજાને મળ્યા હતા. પરંતુ બંનેએ સ્નાતક થયા બાદ બંનેની લવ સ્ટોરી શરૂ થઈ હતી. જોકે, બંનેની મુલાકાત પણ કંઈક ખાસ રીતે થઈ હતી. તનુજાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સંગીતકાર હિમેશ રેમશમિયાનું એક ગીત શેર કર્યું હતું અને કૉમેન્ટમાં લખ્યું હતું કે આ તો ખરેખર હથોડો છે. જેના જવાબમાં શાર્દુલે લખ્યું હતું કે, આ હથોડો નહીં પરંતુ મહા હથોડો છે. જે બાદમાં બંનેએ વાતચીત શરૂ કરી હતી. અહીં એક વાત નોંધવી રહી કે શાર્દુલે ફક્ત લગ્ન સમારંભ માટે મંગળસૂત્ર પહેર્યું ન હતું. જેવી રીતે કોઈ મહિલા હંમેશ માટે તેના ગળામાં હંમેશ માટે મંગળસૂત્ર પહેરી રાખે છે તેવી જ રીતે શાર્દુલ પણ હંમેશા પોતાના ગળામાં મંગળસૂત્ર પહેરી રાખે છે. (તસવીર: Shutterstock)