વિકાસસિંહ ચૌહાણ, ઇન્દોર: ગ્વાલિયરમાં થોડા દિવસ પહેલા એક પૂર્વ પોલીસ અધિકારી ફૂટપાથ પર ભીખ માંગતા મળી આવ્યા હતા. હવે ઇન્દોર (Indore)માં એક ભિખારી (Beggar) મળી આવ્યો છે જે કરોડપતિ છે પરંતુ નશાની આદતને કારણે તે આ હાલત સુધી પહોંચી ગયો હતો. તે મંદિર બહાર ભીખ માંગે છે. શહેરમાં ચાલી રહેલા ભિખારીમુક્ત અભિયાન અંતર્ગત એક એનજીઓના કાર્યકરોએ તેના પરિવારને શોધી કાઢ્યો હતો. ઇન્દોર શહેરના ભિખારીમુક્ત (Beggar free Indore) બનાવવા એક ચળવળ ચાલી રહી છે. આ માટે ગત દિવસોમાં નિરાશ્રિતો અને ભિખારીઓ માટે પુર્નવાસ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.
શહેરના ભિખારીમુક્ત બનાવવા માટે શિબિરો લગાવવામાં આવી છે. જેમાં શહેરના અલગ અલગ ભિખારીઓને રેસ્ક્યૂ કરીને પુર્નવાસ કેન્દ્રોમાં ખસેડવામાં આવી રહ્યા છે. અહીં તેમને બે સમય સ્વાદિષ્ટ ભોજન, ચા, નાસ્તો અને જ્યૂસ આપવામાં આવી રહ્યું છે. સ્વાસ્થ્ય તપાસ કે બીજી કોઈ જરૂરિયાત હોય તો તે પણ પૂરી કરવામાં આવે છે. જે યુવા છે તેઓને કામ ધંધો કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સાથે જ ભિખારીના પરિવારોની પણ શોધખોળ કરવામાં આવે છે. આવા જ એક પરિવારના ઘરે જ્યારે NGOની ટીમ પહોંચી ત્યારે ટીમના સભ્યોની આંખો પહોળી થઈ ગઈ હતી.
ભિખારીનો આલીશાન બંગલો: ગત દિવસોમાં એનજીઓએ કિલા મેદાન વિસ્તારમાં કાલિકા માતા મંદિર પાસેથી રમેશ નામના એક વૃદ્ધ ભિક્ષુકને બચાવ્યો હતો. રમેશે જે સરનામું જણાવ્યું હતું ત્યાં એનજીઓની ટીમ પહોંચી ત્યારે માલુમ પડ્યું હતું કે ભિખારી ખરેખર કરોડપતિ છે. તેની પાસે પોતાનો બંગલો અને પ્લોટ છે. બંગલામાં તમામ ભૌતિક સુવિધા પણ છે.
એનજીઓના સભ્યોએ જ્યારે પરિવારના સભ્યોનો સંપર્ક કર્યો ત્યારે માલુમ પડ્યું કે રમેશે લગ્ન નથી કર્યાં. તે પોતાના ભાઈ અને ભત્રીજા સાથે રહેતા હતા. રમેશને શરાબની લત લાગી ગઈ હતી. શરૂઆતના સમયમાં રમેશને પરિવારના સભ્યોએ ખૂબ સમજાવ્યા હતા પરંતુ તે માન્યા ન હતા. જે બાદમાં પરિવારે તેની સાથે સંબંધ કાપી નાખ્યો હતો. જે બાદમાં રમેશ ભિખારી બનીને રસ્તા પર ભટકી રહ્યા હતા.