દુનિયાના સૌથી જૂના શાકાહારી રેસ્ટોરન્ટની વાત કરીએ, તો દિમાગમાં ભારતનું નામ આવે, પણ એવું નથી. વિશ્વનું સૌથી જૂનું રેસ્ટોરન્ટ સ્વિટ્ઝર્લેન્ડના ઝ્યુરિકમાં છે, જે 1898થી ચાલી રહ્યું છે. આ સંપૂર્ણ શાકાહારી રેસ્ટોરન્ટનું નામ હૌસ હિલ્ટ (Haus Hiltl) છે, જે એક જ પરિવારના લોકો પેઢી દર પેઢી વારસાની જેમ સંભાળી રહ્યા છે. એટલું જ નહીં, પોતાની શુદ્ધ શાકાહારી શૈલીને કારણે તેનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ (Guiness book of world record)માં નોંધાઈ ચૂક્યું છે. અહીં ભારતીય અંદાજમાં થાળી સિસ્ટમ પણ છે.
આજથી લગભગ 120 વર્ષ પહેલાં હિલ્ટ પરિવારના એમ્બ્રોસિયસ હિલ્ટ (Ambrosius Hiltl) દ્વારા શહેરને તેમના પરિવારની શાકાહારી વાનગીઓનો પરિચય કરાવવા માટે તેની શરૂઆત કરવામાં આવી હતી. તે વખતે તેનું નામ હતું Vegetarierheim andAbstinence-Café અને અહીંના મેનૂમાં ફક્ત બટાકા અને અન્ય મૂળ શાકભાજીનો સમાવેશ થતો હતો. ત્યારથી આ રેસ્ટોરન્ટનું નામ ઘણી વખત બદલાઈ ચૂક્યું છે. મેનૂમાં વાનગીઓ ઉમેરાતી ગઈ, પરંતુ જે બાબત ન બદલી, એ હતી શાકાહારી ખોરાક જ પીરસવાની.
જો કે, તે સમયે યુરોપમાં શાકાહારનું પ્રચલન નગણ્ય હતું અને ડુક્કર અને ગાયનું માંસ મુખ્યત્વે ખાવામાં આવતું હતું. જેઓ શાકભાજી ખાતા હતા, તેમને હિપ્પી તરીકે જોવામાં આવતા હતા એટલે કે યુવા પેઢી જે ફેશનમાં વિચરતી છે અને જે દરેક વસ્તુમાં પ્રયોગ કરવા માંગે છે. આવી સ્થિતિમાં આ રેસ્ટોરન્ટ શરૂ થયા પછી શહેરમાં વાતો થવા માંડી. શુદ્ધ શાકભાજી પીરસતી આ રેસ્ટોરન્ટને ખૂબ જ ખરાબ નજરે જોવામાં આવી હતી. હિલ્ટ પરિવાર મૂર્ખ અને પાગલ છે તેવી વાતો થવા લાગી. આ સંજોગોમાં પણ પરિવારે રેસ્ટોરન્ટ બંધ ન કર્યું અને આખરે તે તેની વિશિષ્ટતાના કારણે ચાલી પડ્યું.
Haus Hiltl પાંચ માળની રેસ્ટોરન્ટ છે, જ્યાં ભોજનની સાથે હજારો પુસ્તકો પણ ઉપલબ્ધ છે. આ તમામ પુસ્તકો વિશ્વભરની શાકાહારી વાનગીઓ વિશે જણાવે છે. Meat the Green આ રેસ્ટોરન્ટનું સૌથી લોકપ્રિય ફીચર છે. ઝ્યુરિકના મોટા ભાગના લોકો માંસાહારી હોવાથી, રેસ્ટોરન્ટના માલિકે શાકાહારને પ્રોત્સાહન આપવા માટે મીટ ધ ગ્રીન નામની કુકબુક લખી. તેમાં 60 એવી માંસ અને માછલીની વાનગીઓ વિશે લખવામાં આવ્યું છે, જેમાં વાસ્તવમાં માંસ કે માછલી છે જ નહીં. તેમાં દૂધ અને સોયામાંથી બનેલી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીં લોકોને શાકાહારી ખોરાક બનાવવાની તાલીમ પણ આપવામાં આવે છે.
માંસાહારને પ્રાધાન્ય આપતા દેશમાં શાકાહારી રેસ્ટોરન્ટ કેમ ખોલવામાં આવી તેની વાર્તા પણ ઘણી રસપ્રદ છે. તે સમયે હિલ્ટ પરિવારના વડા એમ્બ્રોઝ હિલ્ટને સંધિવાની બીમારી હોવાનું માનવામાં આવે છે. 18મી સદીમાં તેનો કોઈ ઈલાજ ન હતો, ધીમે ધીમે દર્દી પથારીમાં જ રહેતો અને ટૂંક સમયમાં જીવનનો અંત આવી જતો. ત્યારે એક સ્થાનિક ડોક્ટરે દર્દીને કહ્યું કે જો સંધિવાને કાબૂમાં રાખવો હોય તો માંસાહારીનો સંપૂર્ણ ત્યાગ કરવો પડશે. ત્યારે શાકભાજીના નામે ત્યાં બહુ વિકલ્પો નહોતા. આવી સ્થિતિમાં હિલ્ટે પોતે શાકાહારી આહારનો પ્રયોગ શરૂ કર્યો. પછી તે એબસ્ટિનન્સ નામની રેસ્ટોરન્ટમાં જતો, જ્યાં કેટલીક શાકાહારી વસ્તુઓ મળતી. હિલ્ટે આ રેસ્ટોરન્ટ ખરીદી અને સંપૂર્ણપણે શાકાહારી ભોજન પીરસવાનું શરૂ કર્યું.
રસપ્રદ વાત એ છે કે જે વર્ષે હિલ્ટે એબ્સટીનેન્સ રેસ્ટોરન્ટ ખરીદી, તે જ વર્ષે સ્વિટ્ઝર્લેન્ડમાં માંસ-મુક્ત આહારની ઝુંબેશ શરૂ થઈ. ત્યારથી રેસ્ટોરન્ટમાં વિશ્વભરની શાકાહારી વાનગીઓ તૈયાર થવા લાગી. પોતાના સ્વાદ અને ગંધને કારણે ભારતીય ભોજન પર અહીં વિશેષ ધ્યાન આપવામાં આવે છે. દેશના પૂર્વ પીએ મોરારજી દેસાઈ સ્વિટ્ઝર્લેન્ડની મુલાકાત દરમિયાન આ રેસ્ટોરન્ટમાંથી જ ભોજન લેતા હતા.