દર વર્ષે દેશના ખૂણે-ખૂણેથી અને દુનિયાભરમાંથી હિન્દુ ધર્મમાં માનતા સેંકડો લોકો અહીં આવે છે અને તેમના અંતિમ દિવસો પસાર કરે છે. અંગ્રેજોના સમયમાં બનેલી આ ધર્મશાળામાં 12 રૂમ છે. તેની સાથે એક નાનું મંદિર અને પૂજારી પણ છે. જે લોકો મોતની અણીએ હોય છે, તેમને જ આ ભવનમાં રહેવા માટે સ્થાન મળે છે. મૃત્યુની રાહ જોતી કોઈપણ વ્યક્તિ અહીં 2 અઠવાડિયા સુધી ભવનમાં રહી શકે છે.
જો મુલાકાતી નિર્ધારિત સમય એટલે કે, 2 અઠવાડિયામાં મૃત્યુ પામે નહીં, તો બીમાર વ્યક્તિએ તેનો રૂમ અને મુક્તિ ભવનની જગ્યા છોડી દેવી પડે છે. આ પછી, લોકો સામાન્ય રીતે બહારની ધર્મશાળા અથવા હોટલમાં રહે છે, જેથી તેઓ કાશીમાં જ મૃત્યુ પામે છે. થોડા સમય પછી મુક્તિ ભવનમાં ફરીથી જગ્યા શોધી શકાય છે, પરંતુ જે વ્યક્તિ એકવાર રહી ચૂકી છે તેને પસંદગી મળતી નથી.
એવું માનવામાં આવે છે કે, કાશીમાં મૃત્યુ પામ્યા પછી વ્યક્તિને સીધો મોક્ષ મળે છે. તેનું મહત્વ એક રીતે મુસ્લિમોના હજ જેવું જ છે. જૂના જમાનામાં જ્યારે લોકો કહેતા હતા કે, તેઓ કાશી જઈ રહ્યા છે ત્યારે તેનો અર્થ એવો પણ થતો હતો કે, પાછા આવવાની શક્યતા ઓછી છે. આ અગાઉ મુક્તિ ભવનની તર્જ પર ઘણી ઇમારતો હતી, પરંતુ હવે વારાણસીમાં આવી મોટાભાગની ઇમારતો કોમર્શિયલ બની ગઈ છે અને હોટલની જેમ પૈસા વસૂલે છે. મુક્તિ ભવનની સામે આવેલી આ જગ્યાઓ પર પૈસા આપીને ગમે તેટલું રહી શકે છે.