આસામમાં દરવર્ષે એક વિચિત્ર મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં તમે વૉલેટ, ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ લીધા વગર જાઓ તો પણ ચાલે. હા, બરાબર વાંચ્યું. આ વિશ્વનો એકમાત્ર એવો મેળો છે કે જ્યાં રૂપિયાથી વ્યવહાર કરવામાં આવતો નથી. અહીં લોકો બાર્ટર સિસ્ટમથી વ્યવહાર કરે છે. વસ્તુના બદલે વસ્તુ લેવામાં આવે છે. ક્રિપ્ટો કરન્સીના યુગમાં પૈસા વગર પણ વસ્તુ ખરીદી શકાય તે માત્ર ભારતમાં જ શક્ય બને છે.
આ એક પ્રકારે બિઝનેસ ઇવેન્ટ જ છે કે, જ્યાં વિશ્વની સૌથી જૂની વેપાર પદ્ધતિ હજુ પણ ચાલુ રાખવામાં આવી છે. મોરીગાંવના ભાજપના ધારાસભ્ય રામકનતા દેવરી જણાવે છે કે, ‘મેં લગભગ 12 કિલોગ્રામ પહાડી મરી લીધી. હું નાનપણથી જ આ મેળામાં આવું છું. આજના સમયમાં આ મેળો વધુ વિકસિત બન્યો છે અને સમૃદ્ધ થયો છે. અહીં તમને ઘણી એવી દુર્લભ પ્રોડક્ટ મળે છે જે તમને બીજે ક્યાંય નહીં મળે. પહાડી આદિવાસી લાખ અને ધુણા લાવે છે. મેં તેમને પીઠા આપીને અદલાબદલી કરી.’
મોરીગાંવના સ્થાનિક સ્વરૂપ રૂપાલી બોરદોલોઈ જણાવે છે કે, ‘હું નાનપણથી આ મેળામાં આવું છું. અમે ચીરા (ચપટા ચોખા), સૂકી માછલી, પીછા અને પહાડી વસ્તુઓમાં ખાસ કરીને મરચા, આદું, હળદર, તજ અને મરી વગેરે બદલીને લઈએ છીએ. તે આખું વર્ષ ચાલે છે. અમે પૈસા માટે લડતા-ઝઘડતા નથી. અહીં બધું જ વિશ્વાસ અને અમારી મિત્રતા પર આધારિત છે.
આસામમાં જોવા મળતી ઘણી તિબેટો-બર્મન જાતિઓને તેમના રહેઠાણને આધારે વિભાજિત કરવામાં આવી છે. પહાડી વિસ્તારમાં રહેતા તિવાસ અને મેદાની વિસ્તારમાં રહેતા તિવાસ. બંને જાતિની ભાષા અને સંસ્કૃતિ અલગ અલગ છે. તેમાંથી મોટાભાગના લોકો હવે આસામી ભાષા બોલે છે. આ દિવસે રાજા પ્રજાની મુલાકાત લે છે અને તેમની તકલીફ-મુશ્કેલીઓને સમજવાનો પ્રયાસ કરે છે. તેટલું જ નહીં, રાજા અહીં વેપારીઓ પાસેથી ખજના એટલે કે કર પણ વસૂલે છે.