જાફરાબાદના દરિયામાંથી 300 કિલોની મહાકાય માછલી મળી છે જેથી આખા પંથકમાં કુતૂહલ સર્જાયું છે. જાફરાબાદના દરિયામાં રાજસાગર નામની બોટ લઈને માછીમાર રાજેશ હરજીભાઈ બારૈયા માછીમારી કરવા માટે દરિયામાં ગયા હતા. ત્યારે 300 કિલોગ્રામની વેખું નામની મહાકાય માછલી જાળમાં ફસાઈ ગઈ હતી. આ માછલી ઘણી જ કિંમતી હોવાથી તેને વેરાવળ મત્સ્યના કારખાનામા મોકલવામા આવી છે.
થોડા સમય પહેલા જાફરાબાદ બંદરથી માછીમારી કરવા ગયેલા એક માછીમારને 60 નોટિકલ્સ માઇલ દૂર દરિયામાંથી 450 કિલોની મગરૂ નામની વ્હેલ માછલી મળી આવી હતી. આ માછલીને બંદરે લાવી બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી. આ માછળીને જોવા માટે લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા. માછીમારને આ માછલીમાંથી લાખો રૂપિયા ઉપજે તેવી સંભાવના છે. ક્રેનની મદદથી માછલીને બહાર કાઢી તેને ફિશીંગ કંપનીના એક ટ્રકમાં ભરી વેરાવળ બંદરે લઇ જવામાં આવી હતી.