ઓલેના ઝેલેન્સ્કાની ઉંમર 44 વર્ષ છે. તે સ્ક્રિપ્ટરાઈટર છે. યુક્રેનની ફર્સ્ટ લેડી હોવા છતાં તેમની કોઈ સત્તાવાર ઓફિસ નથી. પરંતુ રશિયા સાથે થઈ રહેલા યુદ્ધમાં તેમણે ખાસ ભૂમિકા સુનિશ્ચિત કરી છે. ફર્સ્ટ લેડી તરીકે ઓલેના બાળકોના સ્વાસ્થ્ય ક્ષેત્ર ખાસ કરીને સંતુલિત આહારના ક્ષેત્રમાં સક્રિયપણે કામ કરે છે. તેમનું કહેવું છે કે પુત્રી એલેક્ઝાન્ડ્રાના જન્મ સમયે તેઓ ખાવા-પીવાના મામલે બેદરકાર હતા. પરંતુ ડોક્ટરની સલાહ બાદ તેમણે સંતુલિત ડાયટથી 3 મહિનામાં 10 કિલો વજન ઘટાડ્યું. (Image- Instagram)
ગયા અઠવાડિયે જ્યારે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હતો તો ઓલેનાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી હતી કે, ‘આજે હું ભયભીત નથી. આજે હું રડી નથી રહી. હું શાંત અને આત્મવિશ્વાસુ રહીશ. મારા બાળકો મને જોઈ રહ્યા છે. હું પોતાના બાળકો અને પતિની પડખે ઊભી રહીશ.’ એ પછી તેમણે એક ખાસ ટેલીગ્રામ ચેનલ શરુ કરવાની જાહેરાત કરી છે, જે રશિયા-યુક્રેનના યુદ્ધ દરમિયાન દરેક મહત્વની જાણકારી લોકો સુધી પહોંચાડશે. (Image- Instagram)
ઓલેના ઝેલેન્સ્કાનો જન્મ મધ્ય યુક્રેનના કિવો રૉગ શહેરમાં થયો હતો. વર્તમાન રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી પણ આ શહેરમાં મોટા થયા હતા. ઓલેના સામાન્ય રીતે રશિયન ભાષા બોલે છે. બંનેના શહેરમાં ઘણાં કોમન ફ્રેન્ડ્સ હતા. પરંતુ બંનેની મુલાકાત ક્રિવો રૉગ નેશનલ યુનિવર્સિટીમાં થઈ હતી જ્યારે ઓલેના આર્કિટેક્ચર અને વોલોદિમીર કાયદાનો અભ્યાસ કરતા હતા. એ સમયે ઓલેનાનો એક બોયફ્રેન્ડ હતો અને ઝેલેન્સ્કી કોમેડી ક્ષેત્રમાં કરિયર બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. (Image- Instagram)
ઓલેના અને વોલોદિમીર કોમેડીના માધ્યમથી જ મળ્યા હતા. યુક્રેનમાં સૌથી મોટું મનોરંજન ટીવી કન્ટેન્ટ પ્રોવાઈડ કરનારું ગ્રુપ ક્વાર્ટલ 95 અથવા સ્ટુડિયા ક્વાર્ટર 95 છે. વોલોદિમીર ઝેલેન્સ્કી તેના સંસ્થાપકોમાંથી એક છે. તેમાં જ ઓલેનાએ સ્ક્રિપ્ટરાઈટર તરીકે કામ કરવાનું શરુ કર્યું હતું. ઝેલેન્સ્કી આ ગ્રુપમાં ક્રિએટીવ પ્રોડ્યુસર છે. ઓલેના અને વોલોદિમીરે ત્યારબાદ 2003માં લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો એલેક્ઝાન્ડ્રા અને કિરિલ છે. (Image- Instagram)
યુક્રેનમાં રશિયાનું આક્રમણ ચાલુ છે. એવામાં ઝેલેન્સ્કા મહિલાઓ અને બાળકોની દુર્દશા તરફ ધ્યાન દોરી રહ્યા છે. તેમણે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, ‘યુક્રેનવાસીઓને રોજ રાત્રે પોતાના બાળકોને બંકરોમાં લઈ જવા પડે છે અને પોતાના ઘરની દીવાલોની નીચે દુશ્મનથી લડવું પડે છે. યુક્રેન એક શાંતિપૂર્ણ દેશ છે. અને યુદ્ધની વિરુદ્ધ છીએ અને અમે પહેલા હુમલો નથી કર્યો. પરંતુ, અમે હાર નહીં માનીએ. આખી દુનિયા, જુઓ અમે તમારા દેશોમાં પણ શાંતિ માટે લડી રહ્યા છીએ.’ (Image- Instagram)