સમગ્ર વિશ્વમાં 8 માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women’s Day) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે મહિલાઓના અધિકારોની પણ ચર્ચા થાય છે. તાજેતરમાં એક રિસર્ચ કરવામાં આવ્યું, જે મુજબ વિશ્વના 187 મુખ્ય દેશોમાં આજે પણ ફક્ત 6 દેશો જ એવા છે, જ્યાં મહિલાઓને કાયદાકીય રીતે સમાન દરજ્જો પ્રાપ્ત છે.
વર્લ્ડ બેંકે થોડા સમય પહેલા વિશ્વના મુખ્ય 187 દેશોમાં કુલ 35 માપદંડના આધારે એક યાદી તૈયાર કરી. તેમાં પ્રોપર્ટી રાઇટ્સ, જોબ સિક્યોરિટી અને પેન્શન પોલિસી, વારસા, લગ્ન સંબંધિત નિયમો, મુસાફરી દરમિયાનની સુરક્ષા, વ્યક્તિગત સુરક્ષા, કમાણી વગેરેના આધારે ડેટા એકત્ર કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે વિશ્વમાં માત્ર 6 દેશો છે, જ્યાં ખરેખર સ્ત્રીઓને પુરૂષો સમાન અધિકારો મળેલા છે.
આફ્રિકન દેશોમાં આમ તો મહિલાઓની સ્થિતિ ખરાબ છે. પરંતુ તે ઝડપથી સુધરે તેવી પહેલ પણ થઈ રહી છે. છેલ્લા 10 વર્ષોમાં જો કોઈ ખંડમાં મહિલાઓની સ્થિતિમાં ઝડપથી સુધારો થયો હોય તો તે આફ્રિકાના દેશો છે. છેલ્લા દસ વર્ષમાં આફ્રિકન દેશોમાં 75થી વધુ એવા કાયદાઓ ઘડવામાં આવ્યા છે, જેના દ્વારા મહિલાઓને નોકરીમાં તકો પૂરી પાડી શકાય અને કાર્યસ્થળ પર શોષણથી બચાવી શકાય.
અન્ય કેટલાક દેશોમાં સમાન દરજ્જા અંગે વધુ સારી કામગીરી થઈ રહી છે. તેમાંથી કેટલાક દેશોને લાગે છે કે તેઓ ખરેખર સ્ત્રીઓ અને પુરુષોને વાસ્તવિક સમાનતાની સ્થિતિમાં લાવવા માટે સક્ષમ હશે. આમાં આઈલેન્ડ, નોર્વે, ફિનલેન્ડ, રવાન્ડા, સ્લોવેનિયા, ન્યુઝીલેન્ડ, ફિલિપાઇન્સ, આયર્લેન્ડ, નિકારાગુઆ વગેરેનો સમાવેશ થાય છે.