જળવાયુ પરિવર્તન (climate Change)ને લઈને આપણે સામાન્ય રીતે મનુષ્યો પર થતી અસર અંગે વધુ વિચારીએ છીએ. જોકે, જળવાયુ પરિવર્તનના કારણે માત્ર મનુષ્યો પર નહીં, પરંતુ જાનવરો (Animals) પર પણ અસર થઈ રહી છે. જાનવરો અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કેટલાક જાનવરો તેમના રહેઠાણનું સ્થળ બદલવા માટે મજબૂર થયા છે તથા જાનવરો તેમની જીવનશૈલી (Animals lifestyle) બદલી રહ્યા છે. તાજેતરની સ્ટડી પરથી જાણવા મળ્યું છે, કે જળવાયુ પરિવર્તનને અનુકૂળ થવા માટે અનેક જાનવરોએ પોતાના અંગોમાં ફેરફાર (Shape shifting) કર્યા છે. જેનાથી તેમનું શરીર બદલાતા વાતાવરણમાં યોગ્ય રીતે કામ કરી શકશે.
ઓસ્ટ્રેલિયાની ડીકિન યુનિવર્સિટીના પક્ષી સંશોધનકર્તા સારા રાઈડિંગે આ ફેરફાર વિશેની માહિતી ટ્રેડ્સ ઈન ઈકોલોજી એન્ડ ઈવોલ્યૂશન જર્નલમાં પ્રકાશિત કરી છે. આ રિપોર્ટ અનુસાર કેટલાક જાનવરો તેમના અંગોમાં ફેરફાર કરવાનું કામ કરી રહ્યા છે. કોઈ જાનવર કે પક્ષીની ચાંચ લાંબી થઈ રહી છે, તો કોઈ જાનવરના પગ અને કાન મોટા થઈ રહ્યા છે. આ ફેરફારની મદદથી જાનવરના શરીરનું તાપમાન ગરમ થતી પૃથ્વી (Earth) અનુસાર ઢળી શકે છે.
રાઈડિંગ અનુસાર અનેક મીડિયામાં જળવાયુ પરિવર્તન (Climate Change) અંગે ચર્ચા કરવામાં આવે છે. આ ચર્ચામાં મોટાભાગે સવાલ પૂછવામાં આવે છે કે, શું મનુષ્યો આ સમસ્યાથી બચી શકશે? અથવા શું આ સમસ્યાનું નિવારણ આવી શકે છે? આ પરિસ્થિતિને જોઈને આપણે સમજી જવું જોઈએ કે, જાનવરોને પણ આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. પરિસ્થિતિ અનુસાર જાનવરોએ તે અનુસાર તેમના શરીરમાં ફેરફાર કરવો પડે છે. સામાન્ય રીતે જાનવરો ઉદ્ભવકાળ (Evolutionary Time)માં વધુ સમય લે છે. પણ અત્યારે આ ફેરફાર ખૂબ જ ઓછા સમયમાં થઈ રહ્યો છે.
મનુષ્યોના બેદરકારીભર્યા વર્તનના કારણે જળવાયુ પરિવર્તનની પરિસ્થિતિ સર્જાઈ છે. જેના કારણે જાનવરો પર પણ વધારે અસર થઈ રહી છે. જાનવરોની કેટલીક પ્રજાતિઓ આ પરિવર્તનમાં ઢળી શકે તે માટે તેમના શરીરમાં યોગ્ય ફેરફાર કરવામાં સફળ થઈ છે. રાઈડિંગે જણાવ્યું કે, જળવાયુ પરિવર્તન ખૂબ જ જટિલ સમસ્યા છે. શા માટે જાનવરોના શરીરના આકારમાં ફેરફાર થઈ રહ્યો છે? તેનું કારણ જાણવું જરૂરી છે. આ પ્રકારનો ફેરફાર માત્ર કોઈ એક સ્થળ પર નહીં, પરંતુ દુનિયાના અનેક ભૌગોલિક ક્ષેત્રોમાં જાનવરોની અનેક પ્રજાતિઓમાં થઈ રહ્યો છે. આ તમામ બાબતોમાં જળવાયુ પરિવર્તન એક સમાન કારણ હોવાનું સામે આવ્યું છે.
પક્ષીઓ (Birds)ના આકારમાં વધુ ફેરફાર જોવા મળી રહ્યો છે. ઓસ્ટ્રેલિયન પોપટની અનેક પ્રજાતિઓની ચાંચની આકારમાં સરેરાશ 4 થી 10 ટકાનો વધારો થયો છે. આ તમામ ફેરફારનો દર વર્ષે પડતી ગરમીઓના તાપમાન સાથે સકારાત્મક સંબંધ છે. સ્તનપાયી જીવોમાં પણ અનેક પ્રકાના ફેરફાર જોવા મળ્યા છે. વુડ માઈસ પ્રજાતિના ઉંદરની પૂંછડી લાંબી થઈ ગઈ છે. કેટલાક છછુંદરની પૂંછડી અને પગના આકાર પણ મોટા થઈ ગયા છે.
રાઈડિંગ છેલ્લા સો વર્ષના ઓસ્ટ્રેલિયામાં મ્યુઝીયમમાં રાખેલ પક્ષીઓના નમૂનાઓનું થ્રીડી સ્કેનિંગ કરીને સ્ટડી કરવા ઈચ્છે છે. આ સ્ટડી પરથી કયા પક્ષીઓમાં જળવાયુ પરિવર્તનના કારણે કેવા ફેરફાર થઈ રહ્યા છે, તે જાણી શકાશે. આ ફેરફાર પાછળનું અન્ય કારણ શું છે? તે જાણવા માટે અને ફેરફારથી જાનવર પોતાનું રક્ષણ કરી શકશે કે નહીં તે જાણી શકાશે.