

ઈપીએફઓની વેબસાઇટમાંથી પીએફના ખાતાધારકોની માહિતી ચોરી થયાના સમાચાર છે. જોકે, સંગઠને ડેટા લીક થયાનો ઇન્કાર કરી દીધો છે. બે દિવસમાં ઈપીએફઓ બે વખત આ બાબતે સ્પષ્ટતા કરી ચુક્યું છે. જોકે, આ બધાની વચ્ચે નોકરીયાત વર્ગની ચિંતામાં વધારો થયો છે. સૌથી મોટી ચિંતા એ છે કે જો અત્યારે જરૂર હોવા છતાં ખાતાધારક તેમના પૈસા ઉપાડી નહીં શકે. એટલું જ નહીં હાલ પૂરતું એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર પણ નહીં કરી શકાય.


નિષ્ણાતોનું કહેવું છે કે ડેટા લીક બાદ સૌથી મોટું જોખમ ખાતાધારકોની વ્યક્તિગત માહિતી ખોટા લોકોનાં હાથમાં આવી જવાનું છે. ત્યાં સુધી કે ખાતાધારકોની વ્યક્તિગત માહિતી મેળવીને ફ્રોડ કરનાર લોકો તેના ખાતામાંથી પૈસા પણ ઉપાડી શકે છે.


ઈપીએફઓની મોટાભાગની સેવાઓ હાલ ઓનલાઈન થઈ ગઈ છે. એવામાં જો તમે ઓનલાઇન વિકલ્પ દ્વારા પૈસા કાઢવા જઈ રહ્યા છો તો તમારા પીએફના પૈસા નહીં ઉપાડી શકો.


વેબસાઇટ બંધ થયા બાદ તમે બેલેન્સ પણ ચેક નથી કરી શકતા. તમે પીએફના પૈસાને એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર પણ નથી કરી શકતા.


હાલમાં પીએફમાંથી પૈસા ઉપાડવાની આખી પ્રક્રિયા પેપરલેસ અને ઓનલાઇન કરી દેવામાં આવી છે. આ માટે કર્મચારીએ હવે ઈપીએફઓની સ્થાનિક કચેરીની મુલાકાત લેવાની જરૂર નથી. પીએફના પૈસા ઉપાડવા માટે જરૂરી માહિતી ઓનલાઇન ભર્યા બાદ પૈસા સીધા જ તમારા ખાતામાં જમા થઈ જાય છે. જે લોકોએ પોતાનો UAN એક્ટિવેટ કરીને આધાર સાથે લિંક કરાવ્યો છે તેઓ પૈસા ઉપાડવા માટે ઓનલાઈન જ અરજી કરી શકે છે.


ઈપીએફઓમાંથી ઓનલાઈન પૈસા ઉપાડવા માટે ખાતાધારક પાસે યુએએન નંબર (યુનિવર્સલ એકાઉન્ટ નંબર) હોવો ફરજીયાત છે. પીએફની વેબસાઇટ પર જઈને યુએએન નંબર જનરેટ પણ કરી શકાય છે. યુએએન નંબર મળ્યા બાદ ઈપીએફઓની વેબસાઈટ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ પર જોઈને પોતાના યુઝરનેમ અને પાસવર્ડથી લોગીન કરવાનું હોય છે. પીએફ સેટલમેન્ટ માટે ફોર્મ 19 પસંદ કરવાનું હોય છે, જ્યારે પીએફમાંથી અમુક રકમ ઉપાડવા માટે ફોર્મ 31 પસંદ કરવાનું હોય છે. ત્યાર બાદમાં ફોર્મમાં જરૂરી માહિતી આપવાની હોય છે.