મુંબઈ : કોરોના વાયરસને કારણે લોકો પરેશાન થયા છે. આ મહામારીની અસર લોકોનાં કામકાજ પર પણ પડી રહી છે. જેની સૌથી વધુ અસર ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર થઇ છે. માર્ચ 2020થી થિયેટરો બંધ છે. શૂટિંગ ધીરે ધીરે શરૂ થઇ રહી છે. આ પરિસ્થિતિમાં ફિલ્મ મેકર શેખર કપૂરે દાવો કર્યો છે કે, હજી એક વર્ષ સુધી સિનેમા ઘર ખુલવાના નથી. શેખર કપૂરનાં આ ટ્વિટ બાદ મેકર્સની સાથે ડાયરેક્ટર્સમાં પણ હલચલ વધી ગઇ છે.
શેખર કપૂરે ટ્વિટમાં લખ્યું છે કે, 'સિનેમાઘર આવતા એક વર્ષ સુધી ખુલવાના નથી. આવી પરિસ્થિતિમાં પહેલા જ હપ્તામાં 100 કરોડ રૂપિયાથી વધારે બિઝનેસ કરવાની હાઇપ બંધ થઇ ગઇ છે. આ કારણે થિયેટ્રિકલ સ્ટાર સિસ્ટમ પણ ખતમ થઇ જશે. સ્ટાર્સને પોતાની ફિલ્મની રિલિઝ માટે ઓટીટી પ્લેટફોર્મમ અજમાવવું પડશે કે તેઓ પોતાના એપ્સનાં માધ્યમથી ફિલ્મને સ્ટ્રીમ કરી શકશે. ટેકનોલોજી ઘણી સરળ છે.'
કોરોનાકાળના વધતા પ્રકોપને જોતા મેકર્સ પણ પોતાની ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરી રહ્યાં છે. ગુલાબો સિતાબો બાદ અનેક મોટી ફિલ્મો ઓટીટી પર રિલીઝ થવા જઇ રહી છે. જેમા અક્ષયકુમાર સ્ટારર લક્ષ્મી બોમ્બ, વિદ્યાબાલન સ્ટારર શકુંતલા દેવી, અજય દેવગણ સ્ટારર ભુજ: ધ પ્રાઇડ ઓફ નેશન, આલિયા ભટ્ટ સ્ટારર સડક-2 પણ સામેલ છે.
ડિઝની હોટસ્ટારે 6થી વધુ ફિલ્મો સીધી તેના પ્લેટફોર્મ પરથી રિલીઝ થશે તેવી જાહેરાત કરી હતી. ડિઝની હોટસ્ટાર પર સીધી રિલીઝ થનારી સાત ફિલ્મોમાં અજય દેવગન, સોનાક્ષી સિંહા, સંજય દત્ત અભિનીત યુદ્ધ નાટક ફિલ્મ 'ભુજ-ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા' ઉપરાંત અક્ષય કુમારની 'લક્ષ્મી બોમ્બ', અભિષેક બચ્ચન સ્ટારર 'ધ બિગ બુલ', વિદ્યુત જામવાલની એક્શન થ્રીલર ફિલ્મ 'ખુદા હાફિઝ' અને કુણાલ ખેમુ-રસિકા દુગ્ગલ સ્ટારર 'લૂટકેસ' અને મહેશ ભટ્ટની 22 વર્ષ પછી આવનારી ફિલ્મ સડક 2 સામેલ છે. સ્વર્ગીય સુશાંત રાજપૂતની ફિલ્મ દિલ બેચારા પણ હૉટસ્ટાર પર રજૂ થશે જેની જાહેરાત થઇ ચૂકી છે.