નવી દિલ્હી: સુપરસ્ટાર સલમાન ખાને (Salman Khan) 1988માં આવેલી ફિલ્મ 'બીવી હો તો ઐસી'માં સાઈડ રોલથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યુ હતું, પરંતુ તેના બીજા જ વર્ષે તેણે 1989માં 'મૈને પ્યાર કિયા' સાથે લીડ એક્ટર તરીકે પોતાની જબરદસ્ત ઓળખ બનાવી હતી. જો સલમાનનું કરિયર જોવામાં આવે તો તે ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું, પરંતુ જીવનના દરેક તબક્કે તે એક મજબૂત વ્યક્તિ તરીકે ઉભો રહ્યો, સખત મહેનત કરી અને પછી એક સફળ એક્ટર તરીકે ઉભરી આવ્યો.
આજે પણ ઇન્ડસ્ટ્રીમાં સલમાનની તગડી ફી છે. આવી સ્થિતિમાં તેના ફેન્સ એવું વિચારે છે કે એક ફિલ્મ માટે મસમોટી રકમ લેનાર ભાઈજાન મુંબઈમાં એક રૂમના ફ્લેટમાં કેમ રહે છે, જ્યારે તેના માટે બંગલો ખરીદવો ખૂબ જ સરળ છે. તો આવો, આજે અમે તમને આની પાછળનું સાચું કારણ જણાવીશું, જે ખુદ સલમાને ઈન્ડિયા ટીવી સાથેની ખાસ વાતચીતમાં કહ્યું હતું.
વર્ષ 2019માં આપેલા પોતાના એક ઈન્ટરવ્યુમાં સલમાને પોતે કહ્યું હતું કે, 'કેટલાક સમય પહેલા અમે એક બંગલો જોયો હતો, કંઇક 10-12 વર્ષ પહેલા . મેં કહ્યું કે ડેડી (સલિમ ખાન) ખૂબ જ સરસ જગ્યા હાથમાંથી જઈ રહી છે અને તે 22 કરોડની છે. ડેડીએ કહ્યું પછી તેની સાથે વાત કરી લો, જો તેને આટલી જ ગમે છે તો ખરીદી લઇએ.
તેણે આગળ કહ્યું, 'પછી ડેડીએ કહ્યું કે હા, જો તમે કરી દો છો તો સારું છે, પછી તેને કન્ફર્મ સમજો. માલિકે હાથ મિલાવીને પૂછ્યું કે તે પ્રોબ્લેમ શું છે? તો ડેડીએ કહ્યું કે તારી જગ્યા 22 કરોડની છે અને અમે 20 કરોડ શોર્ટ છીએ. આ પછી સલમાન કહે છે, 'પહેલા અમે હજારોમાં શોર્ટ હતા, પછી અમે લાખોમાં શોર્ટ હતા અને હવે અમે કરોડોમાં શોર્ટ છીએ.'
સલમાને આગળ કહ્યું, 'અમારી આખી બિલ્ડિંગ એક પરિવાર જેવી છે. જ્યારે અમે નાના હતા, ત્યારે બિલ્ડીંગના બધા બાળકો નીચે ગાર્ડનમાં સાથે રમતા હતા અને ક્યારેક ત્યાં સૂઈ જતા હતા. કોઈ એકલું નહોતું, બધાં ઘરો પોતાના ગણાતા અને અમે કોઈના ઘરે જઈને ખાવાનું લેતા. હું આજે પણ એ જ ફ્લેટમાં રહું છું કારણ કે એ ઘર સાથે મારી અસંખ્ય યાદો જોડાયેલી છે.
આ પહેલા સલમાન ખાનના પિતા સલીમ ખાને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેઓ વર્ષ 1973માં અમિતાભ બચ્ચનની ફિલ્મ જંજીર રિલીઝ થયા બાદ ગેલેક્સી એપાર્ટમેન્ટ્સમાં આવ્યા હતા. અહીં આવ્યા પછી, તેણે વિચાર્યું કે આ તેનું અંતિમ મુકામ હશે. તેણે કહ્યું હતું કે સલમાન માટે મોટો બંગલો ખરીદવો ખૂબ જ સરળ છે પરંતુ તે અહીં અમારી સાથે એપાર્ટમેન્ટમાં રહે છે તેનું કારણ હું છું. તેણે એમ પણ કહ્યું હતું કે જો હું આ ઘર છોડી દઈશ તો મારું દિલ રડશે. અહીંથી ગયા પછી હું ક્યારેય ખુશ નહીં રહી શકું.