Republic Day 2022 : આજે ભારતમાં 73મા પ્રજાસત્તાક દિવસ (73rd Republic Day) ની ઉજવણી કરવામાં આવી રહી છે. દરેક દેશવાસી આજે આઝાદી માટે શહીદ થનારા તમામ ક્રાંતીવીરો પ્રત્યે ધન્યતા અનુભવી રહ્યો છે. તેમાં પણ જ્યારે આ શહીદોના બલિદાનને જીવંત કરવાની વાત આવે ત્યારે મનોરંજન (Bollywood) ક્ષેત્રે પણ શ્રેષ્ઠ ફિલ્મો બનાવી માતૃભૂમિ માટે મરવા તૈયાર યોદ્ધાઓની કહાની નાગરિકો સુધી પહોંચાડી છે. આ દરમિયાન અમુક ફિલ્મોમાં અભિનેતાઓના યુનિફોર્મ લૂક (Actors Uniformed Look) લોકો વચ્ચે ધૂમ મચાવી રહ્યા છે.
ડાયરેક્ટર આદિત્ય ધરની ફિલ્મ ‘ઉરીઃ ધ સર્જીકલ સ્ટ્રાઇક’માં અભિનેતા વિકી કૌશલે (Vicky Kaushal)મેજર વિહાન શેરગિલની ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના મુઝફ્ફરાબાદમાં આતંકવાદી શિબિરો પર ભારતની સર્જિકલ સ્ટ્રાઇકની સાચી ઘટનાઓનું નાટકીય વર્ણન હતું. ફિલ્મમાં એક સિનમાં સૈનિકોનું નેતૃત્વ કરી રહેલ વિકી કૌશલનો ડાયલોગ ‘હાઉઝ ધ જોશ’ દર્શકોમાં ભારે હીટ રહ્યો હતો. આ ફિલ્મ વર્ષ 2019ની સૌથી મોટી હિટ ફિલ્મ રહી હતી.
સિદ્ધાર્થ મલ્હોત્રા (Siddharth Malhotra) એ દિગ્દર્શક વિષ્ણુવર્ધનની શેરશાહમાં કારગિલ યુદ્ધના હીરો કેપ્ટન વિક્રમ બત્રાનું વાસ્તવિક જીવનનું પાત્ર ભજવ્યું હતું. કોવિડ -19 રોગચાળાને કારણે આ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થઈ શકી ન હતી અને સીધા ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડિઓઝ પર લોન્ચ થઇ હતી. સ્ક્રિન પર વિક્રમ બત્રાના આબેહૂબ પાત્રને નિભાવવા બદલ સિદ્ધાર્થની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ ફિલ્મે દર્શકો અને ફિલ્મ ક્રિટિક્સ બંનેની પ્રશંસા મેળવી હતી. અભિનેત્રી કિયારા અડવાણી ફિલ્મમાં મુખ્ય પાત્રમા જોવા મળી હતી.
ફિલ્મ પરમાણુઃ ધ સ્ટોરી ઓફ પોખરણમાં અભિનેતા જોહ્ન અબ્રાહમે (John Abraham) અશ્વત રૈનાનું પાત્ર નિભાવ્યું હતું કે, પોખરણ ન્યુક્લિયર ટેસ્ટ ટીમના મુખ્ય મેમ્બર હતા. અભિષેક શર્મા નિર્દેશિત ફિલ્મમાં ભારતના પરમાણુ પરીક્ષણના અનસંગ નાયકોની વાર્તા કહેવામાં આવી હતી. જ્હોને અગાઉ ૨૦૧૩ માં રિલીઝ થયેલી મદ્રાસ કાફેમાં આર્મી ઓફિસર વિક્રમ સિંહની ભૂમિકા ભજવી હતી.
અજય દેવગણે (Ajay Devgn)ઘણી ફિલ્મોમાં યુનિફોર્મ પહેર્યો હતો, જેમાં તાજેતરની ફિલ્મ ભુજ- ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા છે. અજયે અભિષેક દુધૈયાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં ભારતીય વાયુસેનાના સ્ક્વોડ્રન લીડર વિજય કર્ણિકની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ 1971ના ભારત-પાક યુદ્ધની ઘટનાઓ અને ગુજરાતના ભુજ એરબેઝ પર થયેલા હુમલા પર આધારિત હતી.
અક્ષય કુમારે (Akshay kumar) 2014માં રિલીઝ થયેલી 'હોલિડેઃ અ સોલ્જર ઇઝ નેવર ઓફ ડ્યુટી' સહિત અનેક ફિલ્મોમાં આર્મી ઓફિસરનો રોલ નિભાવ્યો છે. તે ફિલ્મમાં અક્ષયના પાત્ર વિરાટની વાર્તા છે, જે એક સૈનિક છે, જે રજા પર ઘરે આવ્યો હતો, પરંતુ આકસ્મિક રીતે એક આતંકવાદી સાથે અથડાતા સિરિયલ બોમ્બ વિસ્ફોટથી મુંબઇને બચાવે છે. એક વર્ષ બાદ અક્ષયે નીરજ પાંડેની બેબીમાં એક અંડરકવર રો એજન્ટનો રોલ કર્યો હતો.