કહેવાય છે કે, જો તમે મહેનતું હોવ અને તમારી અંદર હુનર હોય તો રાતો-રાત તમારી કિસ્મત બદલાઈ શકે છે, કઈંક આવું જ થયું મેંગલોરમાં રહેતા એક ફોટોગ્રાફર વિવેક સિક્કેરા સાથે. વિવેક સિક્કેરા તે ફોટોગ્રાફર છે જેમણે ઈશા અંબાણી અને આનંદ પીરામલના લગ્નને કવર કર્યું અને તેણે આ ઈવેન્ટમાં 1 લાખ 20 હજાર ફોટો ખેચ્યા.
રસપ્રદ વાત એ છે કે, વિવેક સિક્કેરાને આ વાતની જાણકારી ન હતી કે, તેણે કયા વ્યક્તિના ત્યાં વેડિંગ કવર કરવાનું છે. વિવેક સિક્કેરાએ મીડિયાને જણાવ્યું કે, આ પ્રોજેક્ટ માટે મારો જૂનમાં સંપર્ક કરવામાં આવ્યો હતો, તે સમયે મારી સાથે ઈશા અંબાણીના લગ્નની કોઈ વાત કરવામાં આવી ન હતી. માત્ર એટલું કહેવામાં આવ્યું હતું કે, તમે 1થી 15 ડિસેમ્બર સુધીની ડેટ બ્લોક કરી દો.
વિવેક સાથે વાતચીત બાદ વિવેક સિક્કેરાની પ્રોફાઈલ અને કામનું સેમ્પલ માંગવામાં આવ્યું અને તેમને ઓક્ટોબરમાં ઈશા અંબાણી અને આનંદ પીરામલના લગ્નનો કોન્ટ્રાક્ટ મળી ગયો. વિવેકને પ્રી-વેડિંગ વેન્યુમાં પહોંચવા સુધી એ વાતની જાણ ન હતી કે, કોના લગ્નમાં તેણે ફોટો ખેંચવાના છે. જ્યારે તેણે આ મુદ્દે પુછ્યું તો, તેને એટલું જ કહેવામાં આવ્યું કે, આ પ્રોજેક્ટ બાદ તેની જિંદગી બની જશે.
વિવેકે બે અને ત્રણ નવેમ્બરના રોજ પીરામલ પરિવારની વાસ્તુ પૂજા અને 8 અને 9 ડિસેમ્બરે ઉદયપુરમાં થયેલી પ્રી-વેડિંગ સેરેમની કવર કરી. ત્યારબાદ તેણે 12 અને 13 અને 14 ડિસેમ્બરે લગ્નથી લઈ રિસેપ્શન ઈવેન્ટની તસવીરો પણ ખેંચી. વિવેકે આ તમામ ઈવેન્ટમાં 17 ટીમ મેમ્બર્સ સાથે મળી લગબગ 1.2 લાખ તસવીરો ખેંચી અને હવે આ પોટોસ તૈયાર કરવા માટે તેની પાસે એક મહિનાનો સમય છે.
પેટ્રોલ પંપ પર નોકરી કરતા વિવેક સિક્કેરા - ઈશા અંબાણીના લગ્નને કવર કરનાર ફોટોગ્રાફર વિવેક સિક્કેરા વર્ષ 2010, 2011, 2012 અને 2014માં બેસ્ટ વેડિંગ ફોટોગ્રાફરનો ખિતાબ જીતી ચુક્યો છે. તમને જણાવી દઈએ કે, એક પ્રોફેશનલ ફોટોગ્રાફર બન્યા પહેલા વિવેક સિક્કેરા એક પેટ્રોલ પંપ પર કામ કરતો હતો. એક મિત્રએ વિવેક સિક્કેરાને ફોટોગ્રાફર બનવાની સલાહ આપી હતી, ત્યારબાદ તેણે પેટ્રોલ પંપના મેનેજર પાસેથી સિક્યોરિટી ડિપોઝિટ માંગી અને વિવેકે 7 હજારનો કેમેરા ખરીદ્યો. જોકે, સિક્યોરિટી ડિપોઝિટ નીકાળવા માટે તેણે પોતાની નોકરી પણ છોડવી પડી હતી.