બોલિવૂડ (Bollywood)ની ફિલ્મોમાં મોટાભાગે છોકરાઓ જ રોડ ટ્રિપ પર નીકળતા જોવા મળે છે. ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’ અને ‘ઝિંદગી ના મિલેગી દોબારા’માં છોકરાઓ રોડ ટ્રિપ પર નીકળ્યા હતા. બોલીવુડ અભિનેતા ફરહાન અખ્તર બોલીવુડની આ ટાઈપ કાસ્ટને તોડવા જઈ રહ્યા છે. પ્રોડક્શન હાઉસ એક્સેલ એન્ટરટેઈનમેન્ટની આગામી ફિલ્મમાં ફરહાન અખ્તર છોકરીઓની રોડ ટ્રિપની મજેદાર કહાની લઈને આવી રહ્યા છે. આ ફિલ્મની ગાડીના ડ્રાઈવર ફરહાન અખ્તર હશે. ફરહાન અખ્તર દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં પ્રિયંકા ચોપડા (Priyanka Chopra), આલિયા ભટ્ટ (Alia Bhatt) અને કેટરીના કૈફ (Katrina Kaif) પહેલી વાર એકસાથે જોવા મળશે. ફિલ્મ ‘જી લે ઝરા’ (Jee Le Zaraa)નું શુટીંગ આવતા વર્ષથી શરૂ થશે.
ફિલ્મની ત્રણ લીડ અભિનેત્રીઓ પહેલી વાર ફિલ્મમાં એક સાથે કામ કરશે. આલિયા અને કેટરીના કૈફ ખૂબ જ સારા મિત્ર છે. આ બંને અભિનેત્રીઓ એક ચેટ શોમાં એકબીજાની BFF એટલે કે, બેસ્ટ ફ્રેન્ડ ફોરએવર બનીને આવી ચૂકી છે. કેટરીના કૈફ અને પ્રિયંકા ચોપડા એકબીજા સાથે પાર્ટી કરતી પણ જોવા મળી છે. વાસ્તવિક જીવનમાં આ અભિનેત્રીઓ વચ્ચે ખૂબ જ સારુ ટ્યૂનિંગ છે.
રિતેશ સિધવાની અને ફરહાન અખ્તરે વર્ષ 1999માં એક્સેલ એન્ટરટેઈનમેન્ટની સ્થાપના કરી હતી. એક દિવસ પહેલા જ આ પ્રોડક્શન હાઉસે 20 વર્ષ પૂર્ણ કર્યા છે. ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’ અને ‘રોક ઓન’ પણ આ પ્રોડક્શન હાઉસની ફિલ્મ છે. આ બે ફિલ્મોએ રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યા છે. 92મા અકાદમી પુરસ્કારમાં ફિલ્મ ‘ગલી બોય’ માટે ભારતે અધિકૃત પ્રવેશ કર્યો, ત્યાં સુધી આ જોડીએ હંમેશા ફિલ્મો પર એક અનોખી છાપ ઊભી કરી છે.