રાજ કપૂર દ્વારા સ્થાપવામાં આવેલો આર.કે.સ્ટુડિયો કપૂર પરિવારે વેચવા કાઢ્યો છે. કપૂર પરિવારના જણાવ્યા પ્રમાણે હવે આ સ્ટુડિયો તેમના માટે સફેદ હાથી સમાન સાબિત થઈ રહ્યો છે. સ્ટુડિયોથી તેમને જે આવક મળે છે તેના કરતા તેમને નુકસાન વધારે ઉઠાવવું પડે છે. તેની જાળવણી માટેનો ખર્ચ હવે પરિવારને ભારે પડી રહ્યો છે. આ અંગે કપૂર પરિવારની દીકરી કરીના કપૂરે પણ ન્યૂઝ એજન્સી સાથે વાતચીત કરતા પોતાની પ્રતિક્રિયા આપી હતી.
ન્યૂઝ એજન્સી આઇએએનએસ સાથે વાતચીત કરતા કરીનાએ જણાવ્યું હતું કે, "આ અંગે શું ચાલી રહ્યું છે તેના વિશે મને કંઈ જ ખબર નથી. પરંતુ પરિવારે જે પણ નિર્ણય લીધો હશે તે સમજી વિચારીને જ લીધો હશે." લેકમે ફેશન વીક દરમિયાન કરીનાએ ન્યૂઝ એજન્સી સાથે વાતચીત કરતા કહ્યું કે, "હકીકતમાં શું થઈ રહ્યું છે તેની મને ખબર નથી. મારી તબિયત સારી નથી અને છેલ્લા ચારથી પાંચ દિવસ દરમિયાન હું મારા પિતાને પણ મળી નથી. પરંતુ એ વાત હકીકત છે કે અમે બધા સ્ટુડિયોની આસપાસ રહીને જ મોટા થયા છીએ."