મુંબઈ: સૌથી લાંબો ચાલેલો સિંગિંગ રિયાલિટી શો 'ઈન્ડિયન આઈડલ' સીઝન 12 (Indian Idol 12) આખરે સમાપ્ત થઈ ગયો છે. જેમાં પવનદીપ રાજનને (Pawandeep Rajan) વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. તેમને 25 લાખ રૂપિયા ઇનામમાં આપવામાં આવ્યા હતા. આ સિવાય તેણે મારુતિની વૈભવી કાર પણ જીતી છે. તેને લાલ રંગની ખૂબ જ સુંદર સ્વિફ્ટ આપવામાં આવી હતી. અરુણિતા કાંજીલાલ (Arunita Kanjilal) ફર્સ્ટ રનર અપ અને સાયલી કાંબલે સેકન્ડ રનર અપ રહી હતી. મોહમ્મદ દાનિશ ચોથા સ્થાને રહ્યો હતો. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, પવનદીપ રાજને કહ્યું કે, તે અન્ય ફાઇનલિસ્ટ્સ સાથે રોડ ટ્રીપ પર જવાનું વિચારી રહ્યો છે, જેમાં અરુણિતા પણ સામેલ છે.
બોલિવૂડ લાઈફ સાથેની વાતચીત દરમિયાન તેણે કહ્યું કે, 'હું મારા 6 મિત્રો સાથે કેદારનાથ જઈ રહ્યો છું. તે પછી, હું મમ્મી -પપ્પાને પણ ફેરવીશ. પ્રથમ 10 દિવસ, હું મારા ઇન્ડિયન આઇડોલ પરિવાર સાથે વેકેશન પર જવા માંગુ છું. તે પહેલા અમે બધા પોતપોતાના ઘરે જઈ રહ્યા છીએ. પરિવાર સાથે સમય વિતાવીશું પછી અમે કેદારનાથ જઈશું અને મુંબઈ આવીશું અને એક જ બિલ્ડિંગમાં ઘર લઇશું અને સાથે રહીશું. તેમણે એમ પણ કહ્યું કે, તેના માતા -પિતા તેને 'ઈન્ડિયન આઈડલ 12' ની ટ્રોફી ઉપાડતા જોઈને ખરેખર ખુશ છે.
પવનદીપે કહ્યું હતું કે, હું મારા જિલ્લામાં એક મ્યુઝિક સ્કૂલ ખોલવા માંગુ છું. જેથી નાના બાળકો શીખે અને જીવનમાં આગળ વધે. બાળકો જોશે કે, કેવી રીતે વ્યવસાયિક રીતે વસ્તુઓ કરવામાં આવે છે. હું શરૂઆતથી જ મારા માતા -પિતા સાથે રહું છું અને તેઓએ મારા માટે ઘણું કર્યું છે. બદલામાં હું જે પણ કરી શકું તે હંમેશા ઓછું હશે.
નોંધનીય છે કે,કોરોનાકાળ વખતે જ આ શોનું આયોજન થયું હતું. ત્યારે વચ્ચે એવો સમય પણ આવ્યો, જેમાં શોનું શૂટિંગ, શિડ્યૂલ અને લોકેશન બધું ચેન્જ કરવું પડ્યું હતું. આ ઉપરાંત શોના જજ, કન્ટેસ્ટન્ટ્સ અને ગેસ્ટને પણ ટ્રોલ કરવામાં આવ્યા હતા. આખરે આ બધા ઉતારચઢાવ પછી આ શોની સફળતાપૂર્વક પૂર્ણાહુતિ થઈ ચૂકી છે. લોકો ઘણા સમયથી આ સીઝનનો વિનર કોણ બનશે એ માટે ઉત્સુક હતા. આ વખતે પવનદીપ રાજને ટ્રોફી જીતી લીધી છે અને સાથે જ ઇનામમાં 25 લાખ રૂપિયા અને લક્ઝુરિયસ કાર પણ જીતી છે.