એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: હાલમાં જ મહાભારત (Mahabharat)ની આખી ટીમ 'ધ કપિલ શર્મા શો' (The Kapil Sharma Show) પર આવી હતી. પણ શોમાં ભીષ્મ પિતામહનો રોલ અદા કરનારા મુકેશ ખન્ના (Mukesh Khanna) નહોતા આવ્યાં. જે બાદ તેમને સવાલ કરવામાં આવ્યાં અને આખરે તેમણે 'ધ કપિલ શર્મા શો'માં 'મહાભારત'ની ટીમની સાથે કેમ નહોતા આવ્યાં તે અંગે પ્રતિક્રિયા આપી હતી. મુકેશ ખન્નાએ (Mukesh Khanna Statement On The Kapil Sharma Show) એક બાદ એક ટ્વિટ કરી કપિલ શર્માનાં કોમેડી શો પર ઘણું બધુ લખ્યું હતું. અને શોમાં ન આવવાનું કારણ પણ આપ્યું હતું.
મુકેશ ખન્નાએ શોને 'ફૂહડ' કહ્યો અને અહીં સુધી કહી દીધુ કે, આ શોમાં કેરેક્ટર યુવતીનાં કપડાં પહેરીને આવે છે અને ઘટિયા હરકતો કરે છે. હવે તેનાં પર મહાભારતનાં યુધિષ્ઠિર એટલે કે ગજેન્દ્ર ચૌહાણનું રિએક્શન સામે આવ્યું છે. ગજેન્દ્ર ચૌહાણ મુકેશ ખન્નાનાં નિવેદનથી નારાજ લાગી રહ્યાં છે. તેમણે કહ્યું કે, 'મુકેશ ખન્ના ટીમનાં રીયૂનિયનમાં શામેલ ન થઇ શક્યા લાગે છે એ વાતનું એમને ખોટુ લાગ્યું છે. ત્યારે આવું બધુ બોલી રહ્યાં છે.'
દૈનિક ભાસ્કર સાથે વાતચીતમાં ગજેન્દ્ર કહે છે કે, 'મને લાગે છે કે, મુકેશજીને હવે દ્રાક્ષ ખાટી લાગી રહી છે. કારણ કે, તેમને દ્રાક્ષ ખાવા ન મળી. આ શો નંબર વન છે અને કરોડો લોકો તેને જુએ છે. અને તે આ શોને વાહિયાત કહી રહ્યાં છે. તેમણે અહીં સુધી કહી દીધુ કે, શોમાં પુરુષ મહિલાઓનાં કપડાં પહેરે છે તેઓ ભૂલી ગયા કે મહાભારતમાં પણ , અર્જુને એક યુવતીનાં રૂપમાં કપડાં પહેર્યા હતાં અને એક દ્રશ્યમાં નૃત્ય પણ કર્યુ હતું. તો શું તેણે પણ શો છોડી દેવો જોઇતો હતો? તે સમયે મુકેશજીએ મહાભારત કેમ ન છોડ્યું? હું મુકેશજીનાં આ વ્યવહારની કડક નિંદા કરુ છું'